જદુરામાં હથિયારોની ફેકટરી ઝડપાઈ : ૩ શસ્ત્રો કબ્જે

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા : મીની ફેકટરીનો માલીક હાજર ન મળ્યો : બે બંદુક તથા એક તમંચો કરાયા કબજે : આરોપી પકડાયેથી ગેરકાયદે હથિયારો અંગે મોટા ખુલાસા થવાની શકયતા

 

ભુજ : તાલુકાના જદુરા ગામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારી બે બંદુક તથા એક તમંચો પકડી પાડી ગેરકાયદે મીની ફેકટરીનો પર્દાફાશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તહેવારોને અનુલક્ષીને અસામાજીક પ્રવૃતિઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડાની સુચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં આ દરમ્યાન જદુરા ગામે ચાલતા બાતમી હકિકત મળેલ કે જદુરા ગામે નવાવાસની ત્રીજી શેરીમાં રહેતા રહેમતુલ્લા ઓસમાણ થેબાના મકાનમાં ગેરકાનુની હથિયારો હોવાની સચોટ બાતમી આધારે મકાનમાં છાપો મારતા રહેમતુલ્લા થેબા કે તેના ઘરના કોઈ સભ્યો હાજર મળી આવેલ નહીં તેના ઘરની તલાસી લેતા સીંગલ બેરલ મજલ લોડ હાથ બનાવટની દેશી બંદુક નંગ – ૧, બાર બોર સીંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદુક નંગ – ૧, લોખંડની બેરલ વાળો બંધ હાલતનો કટ્ટો (તમંચો) નંગ ૧ તથા બટની ગ્રીપનો ભાગ, બાર બોરના ખાલી વપરાયેલા કાર્ટીસ નંગ ૧૦૧, બાર બોરના રીફીલીંગ કરેલા (ફરીથી ભરેલા) કાર્ટીસ નંગ ૮, ટુલ બોકસ જેમા પાના, નટબોલ્ટ, હથોડી, ફરશી વિગેરે સાધનો, છરા તથા ઝીણા છરા, ટોટીયો વિગેરે લાકડાના ખાલી બટ, મોટી સ્પ્રીંગ નંગ ર, તથા છુટું મટીરીયલ, કાર્ટીસ રાખવાનો પટ્ટો, લોખંડના રોડ નંગ ર (ગજ), છુટા ટ્રીંગર નંગ પ, એક ઘોડો (હેમર), નાની સ્પ્રીંગ નંગ ૩ તથા લોખંડનું નિશાન લેવા માટેનું (એમીંગ) મળી ૩૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે માનકુવા પોલીસ મથકે આર્મ્સ એકટ હેઠળ ફોજદારી નોંધાવી વધુ તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ. બી. ઔસુડાએ હાથ ધરી હતી અને મીની ફેકટરીના માલિક રહેતુલ્લા થેબાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આરોપી પકડાયેથી તેની પુછતાછમાં ગેરકાયદે હથિયારો બનાવવાની ફેકટરી કયારથી ચલાવતો હતો ? અત્યાર સુધી કેટલા હથિયારો બનાવ્યા અને કચ્છ ઉપરાંત કચ્છ બહાર કોને કોને અને કેટલા તથા કયા પ્રકારના હથિયારો વેચેલ તે સહિતના ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.