જખૌ મત્સ્યબંદરે માછીમારી પ્રતિબંધનો સખત અમલ

૯મી જુન બાદ ફીશરીઝ ખાતા દ્વારા ટોકન આપવાનું બંધ કરાયું : દરિયામાં ગયેલી તમામ બોટો પરત ફરી : બરફના કારખાનેદારો તથા અન્ય આનુસંંગિક ધંધાર્થીઓ માટે ૧પ ઓગષ્ટ સુધી વેકેશન

 

 

માછીમારીના પ્રતિબંધ બાદ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દરિયાઈ સુરક્ષા મુદ્દે સક્રિય
જુન-જુલાઈમાં રેઢા પડ સમાન દરિયામાં ભૂતકાળમાં પશ્ચિમ ભારતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરી મુંબઈ આતંકી હુમલા સહિતની અનેક રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓને અપાયેલા અંજામને લઈ સતર્કતા
નલીયા : માછીમારીની સિઝન ચાલુ હોય તે દરમ્યાન માછીમારો દરિયાઈ સુરક્ષા માટે અગત્યના પરિબળ સમાન હોય છે અને હાલ ત્રણ માસના પ્રતિબંધ બાદ કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે.
માછીમારીની સિજન દરમ્યાન દરિયામાં માછીમારી માટે જતા માછીમારો દરિયાઈ સુરક્ષા માટે અગત્યના પરિબળ સમાન સાબીત થાય છે અને કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો તરત જ સુરક્ષા એજન્સીઓની આંખ-કાન બની મદદરૂપ થાય છે પણ હાલ માછીમારી બંધ હોઈ જખૌનો દરિયો જે નારાયણ સરોવરથી પોરબંદર સુધી ફેલાયેલો છે તેની સુરક્ષા માટે એજન્સીઓ વધુ સક્રિય બની છે.કોસ્ટગાર્ડ, બી.એસ.એફ., નેવી તથા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધના સમયગાળા દરમ્યાન વધુ સતર્કતા રાખવામાં આવે છે. આ અંગે ભારતીય તટરક્ષક દળના જખૌ મથકના કમાન્ડન્ટશ્રી અવતારસિંગનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે માછીમારીની ઓફ સિઝન દરમ્યાન કોસ્ટગાર્ડ દ્વારા સર્વેલન્સ વધુ તેજ બનાવાયું છે.એરક્રાફટ તથા અન્ય આધુનિક પધ્ધતિઓ દ્વારા દેશના પશ્ચિમી દરિયા કીનારાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સજ્જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુન-જુલાઈના રેઢા પડ સમાન દેશના પશ્ચિમ કાંઠાની દરિયાઈ સીમાનો ભુતકાળમાં દાણચોરી અને અન્ય રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરાતો હતો.મુંબઈ પર આતંકી હુમલો કરનારા આતંકીઓ પણ આ જળમાર્ગનો ઉપયોગ કરી ભારતમાં ઘુસ્યા હોઈ હાલ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

 

 

 

 

 

નલીયા : રાજ્યના ફિશરીઝ ખાતા દ્વારા ૧૦મી જુનથી ૧પ ઓગષ્ટ દરમિયાન દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ ફરમાવાતા તેનો જખૌ મત્સ્યબંદરે સખત અમલ શરૂ થઈ જતા માછીમારી સાથે અન્ય આનુષાંગિક ધંધાર્થીઓ માટે વેકેશન જેવો માહોલ સર્જાયો છે.
જખૌ ફીશરીઝ હાર્બર ખાતે માછીમારીના પ્રતિબંધનો સખત અમલ શરૂ થઈ ગયો છે.૯મી જુન બાદ ફીશરીઝ ખાતા દ્વારા દરિયામાં માછીમારી માટે જતી બોટોને ટોકન આપવાનું બંધ કરાયું.ફીશરીઝ ખાતાના મહેબુબભાઈ શેખે જણાવ્યું હતું કે આ વરસે માછીમારી માટેના ટોકન ચાલુ સિઝન દરમ્યાન આપવામાં આવેલ હતા.૯મી જુન બાદ ટોકન આપવાનું સદંતર બંધ કરવામાં આવેલ છે અને ટોકન મેળવી માછીમારી માટે ગયેલ તમામ બોટો જખૌ ફીશરીઝ હાર્બરની જેટી પર પરત આવી ગયેલ છે.માત્ર પગડીયા માછીમારો અને મોટર વગરની અને સઢવાળી હોડીઓ દ્વારા માછીમારી કરાય છે.
જખૌબંદરે માછીમારી પર પ્રતિબંધનો સખત અમલ થયા બાદ અન્ય આનુષાંગિક ધંધાર્થીઓ પણ નવર પડયા છે.બંદર પર ચા-પાણી અને નાસ્તાની હોટેલો, અનાઝ-કરીયાણાના વેપારીઓ અને અન્ય વેપારીઓ માટે બે થી ત્રણ માસ માટે વેકેશન જેવો માહોલ સર્જાશે.બરફના કારખાનેદારો તથા અન્ય ધંધાર્થીઓ પણ મીની વેકેશન માણશે.પોરબંદર, વસલાડ, જામનગર તથા અન્ય ભાગોમાંથી આવેલા માછીમારો તથા તેમજ કામદારો પણ તેમના વતન ભણી રવાના થતા જખૌબંદર સુનકાર ભાસી રહ્યું છે.અત્રેથી ઉપડતી દીવ, જુનાગઢ તથા સલાયાની એસ.ટી.બસોના ટ્રાફીકમાં પણ ઓફ સિઝન દરમ્યાન ઘટાડો નોંધાય છે જે સિઝન શરૂ થાય ત્યાં સુધી બરકરાર રહે છે.જો કે આ બસોના રૂટમાં નલીયાથી ભુજ દરમ્યાન ટ્રાફીક થયાવત મળી જતા આ બસો રૂટીન પ્રમાણે ચાલી રહી છે.
દેશને અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા જખૌ મત્સ્યબંદરે હાલ ધંધાર્થીઓ માટે ઓફ સિઝન દરમ્યાન તેમની યાંત્રિક હોડીઓના સમારકામ અને અન્ય તૈયારીઓનો ધમધમાટ શરૂ થયા બાદ ઓગષ્ટના ત્રીજા અઠવાડિયાથી જખૌ બંદર ફરી ધમધમતું શરૂ થઈ જશે.