જખૌ નજીક ફરી નાપાક હરકત

ભુજ : જખૌ નજીક ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સતત બીજા દિવસે ૮ બોટ અને ૪૩ જેટલા માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. અનેક વખત જખૌ-પોરબંદર નજીકના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવીને તેનું અપહરણ કરવામાં આવતું હોય છે. ત્યારે હજુ ૫ બોટનું અપહરણ કરીને ૩૦ જેટલા માછીમારોને બંધક બનાવાયા હતા. સતત બીજા દિવસે પણ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી હતી. જેમા ભારતીય જળસીમામાંથી ગુજરાતનાં કાંઠાળ વિસ્તારની ૮ બોટ પાક મરીન સિક્યોરિટીએ ઝડપી પાડી હતી.
આ સાથે જ ગુજરાતનાં ૪૩ માછીમારોને પણ બંધક બનાવીને પાકિસ્તાની જેલમાં લઈ જવાયા છે. જખૌનાં દરિયાઈ પટ્ટામાં જખૌથી લઈને ઓખા, દ્વારકા, પોરબંદર, દિવ, ઉના, કોડીનાર અને સોમનાથ સુધીના વિસ્તારનાં માછીમારો માછીમારી કરવા આવે છે. ત્યારે જખૌ-પોરબંદરનાં દરિયામાં ભારતીય માછીમારોને બંધક બનાવીને તેમની બોટોનું અપહરણ કરાયુ હતુ. ખરાબ વાતાવરણ હોવાને કારણે
પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળ સીમામાં પ્રવેશીને ૪૩ જેટલા માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પાકિસ્તાનની આવી નાપાક હરકતોને કારણે માછીમારોમાં ખૌફ ફેલાયો છે. ત્યારે પોરબંદર માછીમાર એસોસિએશન દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારને અરજ કરતા જણાવાયુ હતુ કે, પાકિસ્તાન દ્વારા માછીમારોને બંધક બનાવીને ફેલાવાતી ભયની લાગણી બંધ કરવામાં આવે.