જખૌના દરિયામાંથી ૬ ખલાસીઓ સાથે એક બોટ લાપતા

ભુજ : જખૌના દરિયામાંથી એક માછીમાર બોટ લાપતા થતા શોધખોળ આદરાઈ છે. એક તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. તેવામાં પોરબંદરની માછીમાર બોટ દરિયામાં લાપતા થતા માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગત ૧૦મી નવેમ્બરે પોરબંદરથી માછીમારી કરવા માટે નિકળેલી જયભવાની નામની બોટ જખૌના દરિયામાં માછીમારી કરતી વખતે  લાપતા બની છે. ઈન્ડિયા જીજે ૨૫ એમએમ ૪૦૧૨ નંબરની બોટ જખૌના દરિયામાંથી લાપતા બની છે. જયભવાની નામક આ બોટ લાપતા થતા બોટ માલિકે એસોશિએશનને ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી બોટનો કોઈ જ સંપર્ક ન થતો હોવાથી બોટ માલિક સહિત એસોશિએશન દ્વારા તપાસ હાથ ધરાઈ છે. લાપતા થયેલી બોટ સાથે દરિયો ખેડવા ગયેલી અન્ય બોટ દ્વારા પણ લાપતા બનેલી બોટ શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે એસોશિએશન દ્વારા  પોરબંદર કોસ્ટ ગાર્ડને જાણ કરીને બોટનો પત્તો લગાવવા રજૂઆત કરાઈ છે. જખૌના દરિયામાંથી લાપતા બનેલી બોટમાં છ જેટલા માછીમારો પણ સવાર હતા. જો કે બોટ લાપતા થયા બાદ  પાકિસ્તાની ચાંચીયાઓએ તેને ઝડપી હોવાનું હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે એવી પણ આશંકાઓ સેવાઈ રહી છે કે, આ બોટનું પાકિસ્તાની ચાંચીયાઓ દ્વારા અપહરણ કરાયું હોઈ શકે. ત્યારે હાલ તો લાપતા બનેલી બોટની શોધખોળ કરાઈ રહી છે.