જંગડીયા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગેર વહીવટને લઈ અવિશ્વાસની દરખાસ્ત

દરખાસ્ત મળેલ છે ખરાઈ બાદ બેઠકનું આયોજન કરાશેઃજે.વી.ગોર (તાલુકા વિકાસ અધિકારી, અબડાસા)

નલિયા : જંગડીયા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગેર વહીવટને લઈ અવિશ્વાસની દરખાસ્ત સભ્યો દ્વારા કરી તેની જાણ તલાટી સહિત તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને કરી યોગ્ય પગલા લેવા લેખીત અરજી કરવામાં આવી છે.જંગડીયા ગ્રામ પંચાયતમાં આમ તો મહિલા સરપંચ છે પણ અહિં ગ્રામ પંચાયતનો વહીવટ ગેરકાયદેસર રીતે તેના પતિ ચલાવતા હોવાની ફરીયાદ તાલુકા વિકાસ અધિકારીને કરવા સાથે સરપંચ દ્વારા થઈ રહેલા ગેર વહીવટ અને ભ્રષ્ટાચારને રોકવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.આ અંગે અબડાસા તાલુકા વિકાસ અધિકારીને જંગડીયાના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી લેખીત ફરીયાદમાં જંગડીયા સરપંચ દ્વારા વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને તોાના મનસ્વી વલણ અપનાવી લાંબા સમયથી કામગીરી કરે છે તેમ જણાવી ગ્રામજનો ફરીયાદ કે રજુઆત કે પ્રશ્નો ઉપાડે તો સરપંચ પતિ દ્વારા ધામ ધમકીઓ કરવામાં આવે છે અને પોતાના માણસો બોલાવી અંગતમાં મોકો મળે ધમકીઓ આપવામાં આવે છે.સરપંચ દ્વારા હાલ જે વિકાસ કામો ચાલુ કરવામાં આવેલ છે તે પૈકી પાણીની પાઈપ લાઈન સીસી રોડને મોટા પાયે નુકશાન પહોંચાડીને કામ કરવામાં આવે છે.ગ્રામજનોએ રજુઆત કરેલ કે સીસી રોડની સાઈડની જગ્યામાંથી રોડ તોડયા વગર પાઈપ લાઈન ગોઠવવામાં આવે પરંતુ જાણી જોઈને રોડને તોડી કામગીરી કરવામાં આવી રહી છે.આમ કરી સરપંચશ્રી દ્વારા જ પબ્લીક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવામાં આવેલ છે.સરપંચ પતિ દ્વારા આકારણી રજીસ્ટરમાં તથા સરકારી ચોપડાઓમાં વગેરેમાં ચેડા કરવામાં આવેલ છે.અને પોતાના લાગતા-વળગતાઓના નામે મિલ્કતો ચડાવવામાં આવેલ છે જે ખુબ જ ગંભીર બાબત છે જે અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી થાય તેવી અપીલ કરાઈ છે.સરપંચ પતિ દ્વારા જ સરપંચની સહીઓ કે અંગુઠા કરીને કામગીરી કરવામાં આવે છે અને સરપંચ પોતાની કામગીરી અને ફરજો બજાવવામાં નિષ્ફળ ગયેલ છે અને પોતાની ફરજો બજાવવામાં ચુક કરેલ છે જેથી પંચાયત ધારા મુજબ સરપંચને પદભ્રષ્ટ કરવા ગ્રામજનોએ માંગ કરી છે.હાલ જંગડીયામાં ચાલી રહેલા વિકાસ કામો તાત્કાલિક અસરથી બંધ કરી યોગ્ય તપાસ કરાવવા હુકમ કરવા પણ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરાઈ છે.અરજીની નકલ તથા અવિશ્વાસ દરખાસ્તની નકલ જીલ્લા વિકાસ અધિકારીશ્રીને સાદર રજુ કરી યોગ્ય પગલા લેવા પણ અલગથી જાણ કરવામાં આવી છે.તલાટીને અવિશ્વાસ દરખાસ્ત સભ્યોની સહી સાથે કરવામાં આવી છે. અવિશ્વાસ દરખાસ્ત અંગે અબડાસા તાલુકા વિકાસ અધિકારી જે.વી.ગોરને પુછતા તેમણે અવિશ્વાસ દરખાસ્તની ખરાઈ માટે તલાટીશ્રીને મોકલી આપવામાં આવી છે.યોગ્ય રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે અને તલાટી દ્વારા કોઈ પગલા નહીં લેવાય તો બેઠકનું આયોજન તથા તારીખ નક્કી કરવા સહિતની પ્રોસેસ હાથ ધરવામાં આવશે તેવું જણાવી તમામ બાબતોની તપાસ કરાશે તેવી ખાતરી શ્રી ગોર દ્વારા આપવામાં આવી હતી.દરમ્યાન જાણકાર સુત્રોએ આપેલી માહીતી મુજબ ગામમાં ડખાનું કારણ સુઝલોનની પવનચક્કીઓ સ્થાપવા માટેની “સેટીંગ”ની રકમને કારણભુત માનવામાં આવી રહી છે.ગ્રામજનો ઉપર અમુક લેભાગુઓ દ્વારા ગૌસેવાના નામની રકમ ચાંઉ કરી જતા હોવાનો આક્ષેપ ઉઠતા સમગ્ર ગામની બેઠક મળી હતી જેમાં આવા લેભાગુ તત્ત્વો અને કંપનીના એજન્ટ બની ફરતા લોકોને ગ્રામજનો લડત આપી સબક શીખવાડશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.