છેલ્લા ૧ માસમાં પેટ્રોલની કિંમતમાં અઢી રૂપિયા જેટલો વધારો

પેટ્રોલ- ડિઝલના ભાવ ભડકે બળતાં લોકોનું ખોરવાયું બજેટ

ભુજ : ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. રોજેરોજ ૧૦ – ૧૨ પૈસા વધારીને પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ગુજરાતભરમાં શુક્રવારે વધુ એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળે અલગ અલગ કિંમતોમાં પેટ્રોલ ડિઝલનું વેંચાણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા રોજેરોજ પેટ્રોલ ડિઝલના ભાવ નક્કી કરવાનોં નિર્ણય લીધા બાદ ક્યારે પેટ્રોલના ભાવ વધી જાય છે તે લોકોને પણ ખબર રહેતી નથી. પરંતુ ફરી પાછો પેટ્રોલ ડિઝલનો ભાવ આસમાને પહોંચતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
પેટ્રોલની કિંમત ૭૦ રૂપિયાને પાર થઈ જતા તેમજ ડિઝલ ૬૫- ૬૬ રૂપિયાની આસપાસ પહોંચી જતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ૧૫ દિવસ પુર્વે ડિસેમ્બરના અંતમાં પેટ્રોલનો ભાવ ૬૭થી ૬૮ રૂપિયા હતો. જેમાં માત્ર ૧૫ દિવસમાં જ બે રૂપિયાથી વધુનો ભાવ વધારો થઈ ગયો છે. અગાઉ પેટ્રોલમાં ૫૦ પૈસાનો વધારો થતો તો પણ બ્રેકીંગ ન્યૂઝ બનતા અને ન્યૂજ પેપરમાં હેડલાઈન બનતી. પરંતુ હવે છુપી રીતે રોજેરોજ ૧૦-૨૦ પૈસા વધારવામાં આવતા છેલ્લા પંદરેક દિવસમાં જ બેથી અઢી રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલમાં થઈ ગયો છે. તેવી જ રીતે ડિઝલમાં પણ ભાવ વધારો તોડાયો છે. પરિણામે લોકોએ વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવ અંકુશમાં લેવા માટે માંગ કરી હતી.