છેડતી કરનાર ઇસમની સગીરના પરિવારજનોએ માર મારી હત્યા કરી

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર રહેતી સગીરાની છેડતી કરનાર શખ્સને સગીરાના પરિવારજનોએ ઢોર માર મારતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે.દાણીલીમડા વિસ્તારમાં મંગલવિકાસ સોસાયટીમાં રહેતાં રમેશ સોલંકીનો નાનો દીકરો નીરવ ૧૭ માર્ચે માસીયાઈ ભાઈ રાહુલ પરમાર બંને કોઈ મિત્રનો જન્મદિવસ તથા એસી રિપેર કરવાનું છે તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. વહેલી સવારે નીરવની માતાના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે વાડજ રામાપીરના ટેકરના પરથી હસમુખ મોદી બોલું છું અને તમારા છોકરા નીરવે ભરતભાઈની દીકરીની છેડતી કરી છે. તમારે સમાધાન કરવું હોય તો આવો.ત્યાં જતાં જાણ થઈ કે નીરવને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. ત્યાં જતાં ખબર પડી કે તેને સિવિલમાં લઈ ગયા છે. નીરવ સંપુર્ણ ભાનમાં હતો જ્યાં તેણે જણાવ્યું કે ભરત કાઠિયાવાડીની દીકરી દૂધ લેવા જતી હતી પરંતુ મને જોઈને બૂમાબૂમ કરતાં હંસીયો બાડિયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલાં અને ચારેય જણાંએ મને ફેંટોનો તથા ગડદાપાટુનો માર માર્યો હતો. જે મામલે વાડજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. ૨૫ માર્ચે નીરવનું મોત થયું હતું.