છાડવાડાના સરપંચની જાણ બહાર જ વિરોધીઓ દ્વારા બનાવાટી રાજીનામું આપી દેવાયું

રાજીનામાની ખરાઈ કર્યા વગર જ ટીડીઓ અને તલાટી દ્વારા સ્વીકારી ઉપસરપંચને ચાર્જ સોંપાયાના થયા આક્ષેપો

ભચાઉ : તાલુકાના છાડવાડા ગામે સરપંચ પદેથી દૂર કરાતા વિવાદ જાગ્યો છે. સરપંંચ રામજીભાઈ ડાંગર પાસેથી સહી સાથેનો લેટર પેડ મેળવી તેમાં રાજીનામું લખીને તલાટી તેમજ ટીડીઓ અપાયું હતું. જે રાજીનામું તાલુકા વિકાસ અધિકારી સ્વીકારીને સરપંચ પદેથી દૂર કરાયા હતા. ત્યાર બાદ ઉપસરપંચ કમુબાઈ કોલીને સરપંચનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. આ બાબતે સરપંચ રામજીભાઈ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ન્યાય અપાવા માંગ કરી છે.
સરપંચ રામજીભાઈએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ર૦૧૭થી સરપંચ પદે કાર્યરત છે. ત્યારે કોઈ વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચીને છળકપટ કરી લેટરપેડનો દૂર ઉપયોગ કર્યો છે. વિરોધીઓ દ્વારા બોગસ બનાવટી રીતે રાજીનામુ બનાવીને તે ટીડીઓ અને તલાટી સોપવામાં આવ્યું હતું. જે રાજીનામુ ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયતના ધારાધોરણ તેમજ સરકારના સંબધીત પરિપત્ર અમલ કર્યા વિના સ્વીકાર્યું છે. અને તેઓને સરપંચ પદેથી દૂર કરી માનીતા ઉપસરપંચને પંચાયતનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે. આ બાબતે કોઈ પણ પ્રકારનો અંતિમ નિર્ણય ના આવે ત્યા સુધી ટીડીઓ દ્વારા કરવામાં આવેલા હુકમ પર સ્ટે આપવામાં આવે માંગ કરી છે.