છત્તીસગઢ સરકારની હેલિકૉપ્ટર ખરીદીની તપાસની સુપ્રીમની ના

નવી દિલ્હીઃ છત્તીસગઢ સરકારે ૨૦૦૬-૦૭માં વીઆઇપી વપરાશ માટે ખરીદેલા ઑગસ્ટા-વેસ્ટલૅન્ડ હેલિકોપ્ટરની ખરીદીમાં કરવામાં આવેલા ગોટાળાની તપાસ કરવા માટેની એનજીઓની માગણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જસ્ટિસ એ.કે. ગોયલ અને યુ.યુ. લલિતે સ્વરાજ અભિયાન નામના એનજીઓની અરજી ફગાવતા જણાવ્યું હતું કે અરજી સ્વીકારવા માટેના કોઇ કારણ અમને જણાતા નથી અને અમે આ અરજી રદ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે ૩૧મી જાન્યુઆરીએ છત્તિસગઢની સરકારને ૨૦૦૬-૦૭માં વીઆઇપી વપરાશ માટે ખરીદેલા ઑગસ્ટા-વેસ્ટલૅન્ડ હેલિકોપ્ટરની ખરીદી અને મુખ્ય પ્રધાન રમનસિંહના પુત્ર અભિષેક સિંહનું એમાં શું હિત સમાયેલું હતું એ વિશે સવાલ કર્યા હતા. એનજીઓએ એવો દાવો કર્યો હતો કે ડિસેમ્બર ૨૦૦૬ના સરકારના પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર કંપનીઓ પાસેથી પ્રેઝન્ટેશન મગાવાશે, પણ પાછળથી કોઇપણ કંપની પાસેથી પ્રસ્તાવ મગાવ્યા વગર ઓર્ડર સીધો ઑગસ્ટા-વેસ્ટલૅન્ડ હેલિકોપ્ટર માટે આપી દેવાયો હતો. કોર્ટે આનો જવાબ એમ આપ્યો હતો કે અમે ફ્‌ક્ત એ જાણવા માગીએ છીએ કે ખરીદીમાં કોઇ ગોટાળો કરાયો હતો કે નહીં અને હેલિકોપ્ટરની પસંદગી સાથે અમને કોઇ લેવાદેવા નથી.