ચોમાસાના આગમનથી કચ્છમાં મેલેરિયાનો ઉપદ્રવ વધ્યો

ઠેર-ઠેર વરસાદી પાણીના ખાબોચીયા તેમજ ગંદકી વધતા મેલેરિયાના મચ્છરના જોવા મળ્યા પોરા : કોવિડની સ્થિતિમાં આ બિમારીમાં પણ લોકોએ ઘરગથ્થુ ઉપચારને આપ્યું પ્રાધાન્ય : મેલેરિયા શાખા દ્વારા તમામ વિસ્તારોમાં દવાઓનું છંટકાવ કરવામાં આવે તે જરૂરી : જિલ્લા પંચાયત દ્વારા અમુક વિસ્તારોમાં અગમચેતીના પગલા લેવાયા હતા

ભુજ : કચ્છ જિલ્લામાં ચોમાસાએ દસ્તક દઈ દીધા બાદ જિલ્લામાં હવે મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. સાર્વત્રીક વરસાદ બાદ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચીયા ભરાઈ ગયા હોવાથી તેમાં મચ્છરના પોરા જોવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા સહિતના રોગોએ માથું ઉંચકયું છે. અલબત કોવિડની સ્થિતિમાં લોકો ઘરેલુ ઉપચારમાં ટેવાઈ ગયા હોવાથી દવાખાના કે હોસ્પિટલમાં જઈ સારવાર લેવાનું ટાળી રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં વાગડથી લઈ લખપત સુધી મેઘરાજાએ એક ઈંચથી લઈ પાંચ ઈંચ સુધીની મહેર કરી છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ગયા છે, તેમજ જાહેર સ્થળ હોય કે રહેણાંક વિસ્તારો પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા ગંદા પાણીના ખાબોચીયા ભરાઈ ગયા છે. આ તરફ મકાનો અને ઈમારતોની છત પર ટાયર, પાણીના પાત્રમાં વરસાદી જળ સંગ્રહેલું હોવાથી મચ્છરોની ઉત્પતિ માટે મોકળુ મેદાન મળ્યું છે. જિલ્લામાં મેલેરિયા માસની ઉજવણીના નામે બે – ત્રણ સ્થળોએ સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી સાવ નહીવત પ્રમાણમાં હોવાથી મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકયું છે. આજે પણ જયારે બે દિવસથી વરસાદે વિરામ લીધો છે તો પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ખાબોચીયા હજુ પણ સાફ થયા નથી. તેમજ આજે પણ મચ્છરના પોરા જોવા મળી રહ્યા છે. આરોગ્ય તંત્રએ કોરોનાને જ મુખ્ય બિમારી માની હોવાથી અન્ય બિમારીઓ પ્રત્યે તકેદારીની કામગીરી કરવામાં પીછેહઠ કરાઈ રહી છે. પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છર છે. આ મચ્છરનો બ્રિડિંગ સમય(ઈંડા મૂકવા) વરસાદી સમય છે. આ કાર્ય માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવીને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે. એટ્‌લે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાની વર્તવાની હોય છે. રોગ થાય એ પહેલા જ સાવધાની રાખવામા આવે તો બચી શકાય છે. માટે મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય. પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાયેલા હોવાથી સાફ રાખવા જરૂરી છે. ઇલાજથી બહેતર બચાવ હોવાથી શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું, ગુડનાઇટ, ધૂપ વિગેરે કરાય છે. એ પણ યોગ્ય છે. કારણ કે, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ પસંદ કરે છે. કચ્છમાં ખાસ કરીને કુલ પાંચ મેલેરિયાના પ્રકાર પૈકી ફાલ્સીપેરમ અને વાયવેક્સ જોવા મળે છે. વાયવેક્સનું પ્રમાણ વધુ છે. એકાંતરે ઠંડી સાથે તાવ આવે છે. જો કે, કોરોનાની સ્થિતિમાં લોકો ઘરેલુ ઉપચારથી ટેવાઈ ગયા હોવાથી તાવ આવે તો ઘરે જ ગોળી ખાઈ લે છે. તેમજ ઘરેલુ ઉપચાર કરે છે. તેમજ વધુ તાવ લાગે તો મેડિકલમાંથી ગોળી ખરીદી લે છે. આમ મોટા ભાગના દર્દી હોસ્પિટલો કે તબીબો પાસે જવાનું ટાળે છે.