ચોપડવા પાસે વાહનના ઠાઠામાં ટ્રક ઘૂસી જતા ચાલકનું મોત : યુવાન ઘવાયો

શિણાય નજીક હિટ એન્ડ  રન : રાહદારીનું મૃત્યુ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જુદા જુદા જીવલેણ માર્ગ અકસ્માતોના બે બનાવો બનવા પામ્યા હતા. જેમાં બે વ્યકિતઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. ભચાઉ તાલુકાના ચોપડવા પુલ ઉપર પુરપાટ જઈ રહેલ ટ્રક આગળ જતા વાહનના ઠાઠામાં ભટકાવતા ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. તો અન્ય એકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બીજી તરફ શિણાય માર્ગે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લઈ મોત નિપજાવી વાહન લઈ ચાલક નાસી છુટ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ચોપડવા પુલ ઉપર બનવા પામ્યો હતો. મુળ બિહાર હાલે કારગો ઝુંપડા ગાંધીધામ રહેતા સરત કિશન પાસવાન પોતાના કબજાની ટ્રક નંબર જીજે. ૧ર. ઝેડ. ૪ર૩પ લઈને જતો હતો ત્યારે ચોપડવા પુલ ઉપર આગળ જતા વાહનના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા પોતાને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.
જ્યારે સંતોષ શ્રીભીડેશ્વર પાસવાન (ઉ.વ.૧૮) (રહે. મુળ બિહાર હાલે કારગો ઝુંપડા ગાંધીધામ)ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. જેમાં સરત પાસવાનનું મોત થયું હતું. ભચાઉ પોલીસે જાણવા જાગ નોંધ કરી પીએસઆઈ જે.એચ. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરેલાનું પીએસઓ સુભાષચંદ્ર રાજગોરે જણાવ્યું હતું.
બીજી તરફ હીટ એન્ડ રનનો બનાવ શિણાય જતા માર્ગે નર્મદા કેનાલના રોડ ઉપર બનવા પામ્યો હતો. રાત્રીના ૧૧ વાગ્યે પગે જઈ રહેલા મુળ ઝારખંડ હાલે યાદવનગર શિણાય રહેતા જાસેફને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ રોડ પર પાડી દઈ ખોપળી ફાડી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન ચાલક વાહન લઈ નાસી જતા આદિપુર પોલીસે મૃતક જાસેફના મામા બરગી સુમરા મુંડાની ફરિયાદ પરથી ગુનો નોંધી હેડ કોન્સ હેમરાજ સોનવણોએ તપાસ હાથ ધરી હતી.