ચોખા પોલીસ કરવાના કેમિકલના ડ્રમમાં છુપાવેલી દારૂની ૪૯૨ બોટલ ઝડપાઇ

હરિયાણાથી જામનગરમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાયેલો દારૂ કબજે : દારૂ મંગાવનાર ગાંધીધામના શખ્સ અને જામનગર રહેતા તેના ભાણેજની પોલીસ દ્વારા અટકાયત

ગાંધીધામ : જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટની પેઢી પર સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી ચોખાને પોલીસ કરવાના કેમિકલના પીપડામાં છુપાવીને જામનગર પહોંચાડવામાં આવેલો ૪૯૨ નંગ ઈંગ્લીશ દારૂની બોટલોના માતબર જથ્થો પોલીસે પકડી પાડયો છે, અને દારૂનો જથ્થો લેવા માટે આવેલા ગાંધીધામ કચ્છના એક શખ્સ અને જામનગરમાં રહેતા તેના ભાણેજને પોલીસે પકડી પાડયા છે. જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસે પાડેલા આ દરોડાની વિગત એવી છે કે, સીટી-સી ડિવિઝનના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ કંપની નામક ટ્રાન્સપોર્ટની
પેઢીમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે ચોખાને પોલીસ કરવાના કેમિકલના સાત જેટલા પીપડામાં મોકલવામાં આવ્યા છે. જે સીલ બંધ પીપડાઓની અંદર ચોખાને પોલીસ કરવાનું કેમિકલ રાખવાને બદલે તેની અંદરની ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને સપ્લાય કરવામાં આવ્યો છે, અને જામનગરમાં ઘુસાડાઈ રહ્યો છે. તે ચોક્કસ બાતમીના આધારે
પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન અલગ અલગ સાત નંગ પીપડા ને ખોલીને અંદર તપાસણી કરતાં કુલ ૪૯૨ નંગ ઈંગ્લીશ દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા બે લાખ ૪૬ હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી લીધો હતો. દરમિયાન જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો અને અભ્યાસ કરતો રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો શખસ માલની ડિલિવરી લેવા આવ્યો હતો, અને
પોતાના કુટુંબી મામા કુલદીસિંહ નવલસિંહ ઝાલા કે જેઓ ગાંધીધામ નજીક આદિપુર કચ્છમાં રહે છે, તેમણે આ માલ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. અને તેઓ બન્ને ટ્રાન્સપોર્ટની ઓફિસે ડીલેવરી લેવા માટે આવતાં પોલીસે બંનેને અટકાયતમાં લઇ લીધા હતા. અને તેઓના કોવિડ ટેસ્ટ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો હરિયાણા રાજ્યના પંડિત નામક એક શખ્સ દ્વારા જામનગરમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પકડાયા બંને આરોપીઓ ઉપરાંત પંડિત નામના શખ્સને ફરાર જાહેર કરી ત્રણેય સામે દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસનો દોર હરિયાણા રાજ્ય સુધી લંબાવવામાં આવ્યો છે.