ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂ.૭૯૦૦૦૦/-નો દંડ ફટકારતી ગાંધીધામ કોર્ટ

ગાંધીધામઃ ચેક રીટર્નના કેસમાં ગાંધીધામના રહેવાસી ગોપાલ વિરપાર નિંજારને કેસ ચાલી ગયા બાદ ગાંધીધામના બીજા અધિક જયુડી.મેજીસ્ટ્રેટ(ફ.ક.) સ્વાતિબેન આર.ગર્ગે તકસીરવાન ઠરાવી સજા કરવાનો હુકમ કરેલ હતો.
ફરીયાદી વિજય મહાદેવ મજીઠીયાનો કેસ એવો હતો કે આરોપી ગોપાલ વિરપાર નિંજારે ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે હોલસેલમાં ઘઉં ખરીદેલ હતા. આરોપીએ ઘઉંની ખરીદી પેટે કુલ્લ રૂ.૩૯પ૦૦૦/-નો ચેક આપેલ. ફરીયાદી બેંક સદર ચેક બેંકમાં કલીયરીંગ માટે રજુ કરેલ પરંતુ સદર ચેક ઈન્સફીશીયન્ટ ફંડના શેરા સાથે પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદી તરફથી તેમના એડવોકેટ મારફતે કાયદેસરની નોટીસ આરોપીને રજી.એ.ડી.ટપાલ દ્વારા મોકલવામાં આવેલ જે આરોપીને મળી ગયેલ હોવા છતાં નિયત સમય મર્યાદામાં આરોપીએ સદર ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ નહીં. જેથી નિયત સમય મર્યાદામાં નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ ૧૩૮ હેઠળ આ ફરીયાદ કરેલ હતી.
આ કેસની સુનાવણીમાં નામ.અદાલતે ફરીયાદી તરફથી કરવામાં આવેલ એવી દલીલો માન્ય રાખેલ હતી કે નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના આવશ્યક તત્વો જેવા કે ફરીયાદીનું કાયદેસરનું લેણું, આરોપીની બેંકનો ચેક રીટર્ન મેમો, એકાઉન્ટ સ્ટેટમેન્ટના અધારે ચેકનો અનાદર થયાની હકીકત, અને આરોપી સામે કાયદેસર રીતે વસુલ થઈ શકે તે પ્રકારનું લેણું સાબિત કરવામાં ફરીયાદપક્ષ સફળ રહેલ છે. જયારે બચાવપક્ષે બચાવના સંદર્ભમાં લીધેલ તકરાર જેવી કે નોટીસની બજવણી થયેલ નથી વગેરે હકીકતો બચાવપક્ષ, કાયદેસરના અનુમાનનું ખંડન કરવા માટે, નિઃશંકપણે પુરવાર કરેલ નથી તેવી ફરીયાદ પક્ષની દલીલો માન્ય રાખી નામ અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપી ગોપાલ વિરપાર નિંજારને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૭૯૦૦૦૦/-નો દંડ તેમજ દંડની રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ હતો અને જા આરોપી વળતરની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફરમાવી હતી. આ કેસમાં ફરીયાદી વિજય મહાદેવ મજીઠીયા તરફથી એડવોકેટ રોહિત કે.રૂપારેલ હાજર રહી દલીલો કરેલ હતી.