ચૂંટણી વોટ ન અપાતા ખાવડાના કોલીવાસના લોકોને પાણીથી વંચિત રખાયા

છેલ્લા ૩-૪ મહિનાથી પાણીની સમસ્યાનો ઉઠ્યો આક્ષેપ : સરપંચે મોટર ખરાબ થઈ ગઈ હોવાનું ધર્યું બહાનુ

ભુજ : ખાવડામાં ભરઉનાળે કિન્નાખોરીથી કેટલાક વિસ્તારોની પાણી નહી આપવાની ફરિયાદ ઉઠી છે. ગ્રા.પં.ની ચૂંટણીમાં સરપંચને મત ન આપનાર કોલીવાસના સ્થાનિકો સાથે કિન્નાખોરી રાખીને પાણી અપાતું ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
છેલ્લા ૩-૪ મહિનાથી ખાવડાના કોલીવાસના સ્થાનિકોને પાણી આપવામાં આવતું નથી. તાલુકા પંચાયતના વિપક્ષી નેતા જુમાભાઈ અલીમામદ સમાના જણાવ્યા પ્રમાણે પંચાયત દ્વારા કિન્નાખોરી રાખીને કોલીવાસમાં પાણી અપતા નથી. ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કોલીવાસના સ્થાનિકોએ હાલ ચૂંટાયેલા સરપંચ હાજી ઉમર કુંભારને મતો નહી આપ્યા હોય તેથી તેની કિન્નાખોરી રાખીને પાણી અપાતું નથી. ચૂંટણીનું મનદુઃખ રાખીને પાણી સમયસર ન આપવું તે કેટલે અંશે યોગ્ય કહેવાય તેવું વિપક્ષી નેતા જુમાભાઈ સમાએ ઉમેર્યું હતું.
પાણીના ટાંકામાંથી અન્ય વિસ્તારોમાં સમયસર અને નિયમિત પાણી અપાય છે. માત્ર કોલીવાસને પુરતુ પાણી મળતું નથી. તેથી લોકોને નાછુટકે ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. આ અંગે ખાવડાના સરપંચ હાજી ઉમર કુંભારનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, કોઈ કિન્નાખોરી રખાઈ નથી. ઉપરથી નર્મદાનું પાણી ઓછું આવે છે અને મોટર ખરાબ થઈ જતા પાણીની થોડી તકલીફ થઈ હતી. જોકે હવે મોટરનું કામ થઈ ગયું છે અને હાલ ટેન્કર મોકલવામાં આવ્યા છે અને એક-બે દિવસમાં પાણી શરૂ થઈ જશે તેવું ખાવડાના સરપંચે ઉમેર્યું હતું.