ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રાજનીતિમાં આવવાનો કર્યો નિર્ણય!

નવીદિલ્હી : બીજેપી અને કોંગ્રેસ માટે ચૂંટણીમાં રણનિતીકારની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોર હવે રાજનીતિમાં આવી શકે છે. એનડીટીવીના મતે રાજનીતિમાં આવવાની જાહેરાત પ્રશાંક કિશોર તરફથી હૈદરાબાદમાં થઈ શકે છે. આ પહેલા પ્રશાંતે ૨૦૧૪માં બીજેપી, ૨૦૧૫માં મહાગઠબંધન અને ૨૦૧૭માં યુપી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ચૂંટણીની રણનિતી બનાવી ચૂક્યો છે.
પ્રશાંત કિશોર પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે બીજેપીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. જોકે આ પછી
પાર્ટી અધ્યક્ષ સાથે તેના મતભેદ થયા હોવાના સમાચાર આવ્યા હતા. આ પછી તેણે ૨૦૧૫માં બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન માટે રણનીતિ બનાવી હતી. યુપીમાં કોંગ્રેસને જીતાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તે પાર્ટીની જીતનો રસ્તો બનાવી શક્યો ન હતો. મળેલી જાણકારી પ્રમાણે પ્રશાંત કિશોર હૈદરાબાદમાં જાહેરાત કરી શકે છે. તે ત્યાં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના છાત્રોને સંબોધિત પણ કરશે. જોકે હજુ એ વાતની જાણકારી મળી નથી કે પ્રશાંત કઈ પાર્ટી તરફથી ચૂંટણી લડશે. જોકે રાજનીતિ ક્ષેત્રોમાં ચર્ચા છે કે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે તેના સારા સંબંધો છે. આ સંબધો રાજકારણમાં નવા સમીકરણ બનાવી શકે છે.