ચૂંટણી પહેલાંના અંતિમ સંપૂર્ણ બજેટની તૈયારીઓ શરૂ

નવી દિલ્હીઃ દેશમાં ગુડ્‌સ ઍન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પ્રણાલીનો અમલ કરવામાં આવ્યા પછી ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું બજેટ તૈયાર કરવાની કામગીરી નાણાં મંત્રાલય દ્વારા આગામી અઠવાડિયે શરૂ કરવામાં આવશે. જુદા જુદા પ્રોસેસ નિશ્ર્‌ચિત સમયમાં પૂરા કરીને સંપૂર્ણ બજેટ તૈયાર કરીને ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવશે. ૨૦૧૯માં સંસદીય ચૂંટણી આવી રહી હોવાથી હાલની સરકારનું આ છેલ્લું  સંપૂર્ણ બજેટ હશે.સ્વતંત્ર ભારતમાં કરવેરા પ્રણાલીમાં સૌથી મોટી નવરચના જીએસટીની અમલ બજાવણી પહેલી જુલાઈથી કરવામાં આવી હોવા છતાં ૨૦૧૭-૧૮ (એપ્રિલ-માર્ચ) બજેટમાં કસ્ટમ્સ ડ્‌યૂટી, સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ હેઠળ ટેક્સ રેવેન્યૂ પ્રોજેક્ટ કરવાની અને સર્વિસ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ સાથે પ્રોજેક્ટ કરવાની પદ્ધતિ અનુસરવામાં આવે છે. એક્સાઇઝ ડ્‌યૂટી અને સર્વિસ ટેક્સનો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી વર્ગીકરણમાં ફેરફાર કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રેવન્યુ માટેના નવા વર્ગીકરણમાં જીએસટીમાંથી મળેલી આવકનો આગામી નાણાકીય વર્ષના બજેટમાં સમાવેશ કરાશે. હાલના વર્ષ માટે એકાઉન્ટિંગના બે સેટ રજૂ કરાશે. એક એપ્રિલ-જૂન દરમિયાન એક્સાઇઝ કસ્ટમ્સ અને સર્વિસ ટેક્સમાંથી મળેલી રકમનો ઉમેરો કરાશે. બીજામાં જીએસટી અને કસ્ટમ્સ ડ્‌યૂટી માટેના જુલાઇ-માર્ચ માટે હશે. અધિકારીએ જણાવ્યું હતું કે જીએસટી દર નાણાં પ્રધાન અને બધા રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરવામાં આવ્યા હોવાથી ૨૦૨૮-૧૯ના બજેટમાં સર્વિસ ટેક્સ લેવી અને સંબંધિત એક્સાઇઝ માટેની ટેક્સ દરખાસ્તોનો સમાવેશ કરવામાં નહીં આવે. સરકારની નવી યોજનાઓ અને કાર્યક્રમો ધરાવતા બજેટમાં સીધા વેરા જેમકે પર્સનલ ઈન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં સુધારા-વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. નાણાં પ્રધાન અરુણ જેટલીનું આ પાંચમું બજેટ હોવા ઉપરાંત ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનું ૨૦૧૯ની ચૂંટણી પૂર્વેનું છેલ્લું સંપૂર્ણ બજેટ હશે. પ્રથા પ્રમાણે વાટ આૅન અકાઉન્ટ અથવા મર્યાદિત સમય માટે સરકારના ખર્ચ માટે મંજૂરી લેવામાં આવશે.