ચૂંટણીની આડમાં અબડાસાના રાયધણઝરમાં શરૂ થયેલી ખનિજ ચોરી આજપર્યંત યથાવત

ખનિજ ચોરી માટે મોંઘીદાટ મશીનરી પણ વસાવાઈ : દિવસ દરમ્યાન કાયદેસરની લીઝમાં રખાતી મશીનરીનો રાત્રિ દરમ્યાન બેન્ટોનાઈટ ઉસેડવા માટે કરાય છે ઉપયોગ : મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચા

ભુજ : અબડાસા તાલુકાના રાયધણઝર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન ખનિજ ચોરી શરૂ થઈ હતી, જે આજપર્યંત યથાવત રહેવા પામી છે. ખનિજ ચોરોએ જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઈટ ઉસેડવા માટે મોંઘીદાટ મશીનરી વસાવી હોવાની પણ વાતો સામે આવી છે. આ પંથકમાં અગાઉ પણ ખનિજ ચોરીના કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે બીજો કિસ્સો પણ ચર્ચામાં છે.મળતી માહિતી પ્રમાણે અબડાસાના પેટાળમાં વિભિન્ન પ્રકારના ખનિજનો જથ્થો ધરબાયેલો છે, પરંતુ ખાણ-ખનિજ કે પોલીસ વિભાગને ખનિજ ચોરી દેખાતી નથી, જેના કારણે આ પંથકમાં ગેરકાયદે ખનન કરી ચોરીનું ખનિજ વેંચવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વિસ્તારના જાગૃત નાગરિકોએ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી ગામમાં બેરોકટોકપણે બેન્ટોનાઈટનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉત્પન્ન થતો માલનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવામાં આવે છે. ગામની પાસે આવેલા ઘાસના ગોડાઉન પાછળના ભાગમાં ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ પણ સામે આવી છે. નવાઈ વાત એ છે કે, મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરવા માટે લાખો રૂપિયાના ખોદકામ માટેના મશીનો વસાવાયા છે તેમજ ખનિજ ચોરોએ વસાવેલી મોંઘીદાટ મશીનરી દિવસ દરમ્યાન નજીક આવેલા કાયદેસરની લીઝ ધરાવતા વિસ્તારની જગ્યામાં મૂકવામાં આવે છે. જ્યારે રાત થતા આ મશીનરી ખનિજ ચોરી માટે ઉપયોગમાં લેવાતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર ખનિજ ચોરીની તપાસ થાય તો આ વિસ્તારના વગ ધરાવતા મોટા માથાઓની સંડોવણી સામે આવે તેમ છે. બેન્ટોનાઈટની ચોરી માટે મશીનો કામે લગાવાયા છે. ટ્રકો ભરી ભરીને માલ બહાર રવાના કરાય છે, પરંતુ ચેકીંગ દરમ્યાન ક્યારેય ટ્રક પકડાતી નથી ત્યારે જવાબદારોની પણ મિલીભગત હોવાની વાતો નકારી શકાતી નથી. પોલીસ કે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નામ પૂરતી કામગીરી કરી એકાદ ટ્રક પકડી લેવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કેટલો માલ ઉસેડ્યો, કેટલો વેચ્યો તે સહિતની વિગતો પર ઢાંકપીછોડો કરી દેવાય છે. હકીકતમાં તેની પણ તપાસ થવી જોઈએ.