ચૂંટણીના મનદુઃખે મુંદરાના બોચા ગામે દંપતિને ધમકી

મુંદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ ગઈ. નવા સુકાનીઓએ પદભાર સંભાળી લીધો જો કે ચૂંટણીના વેરઝેર હજુ પણ યથાવત રહ્યા છે. મુંદરા તાલુકાના બોચા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી ઝઘડો કરી દંપતિને ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી લખુભાઈ દેવાભાઈ રબારીએ ગામના જ મેઘાભાઈ સાંગાભાઈ રબારી અને સોનાભાઈ ધાલાભાઈ રબારી સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ તેની પત્નીને કહ્યું કે, તારો પતિ કયાં છે, તેને ઘરની બહાર કાઢ આજે તો એને જાનથી પતાવી નાખશું તેવું કહી લખુભાઈ અને તેમની પત્નીને ગાળો આપવામાં આવી હતી. ચૂંટણીના મનદુઃખે આ ઝઘડો કરાયો હોવાનું મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે.