ચુડવાની સીમમાં આરટીઓની પરવાનગી વગર ટ્રકને તોડતી વેળાએ પોલીસ ત્રાટકી

0
21

પરવાનગી વીના વાહનો ભંગારમાં ફેરવાતા હોઈ ત્રણ ઈસમોની અટકાયત કરી ર૯.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીધામ : વાહનોનું કટીંગ કે ભંગારમાં ફેરવતા પહેલા આરટીઓની પરવાનગી લેવી અનિવાર્ય છે, પરંતુ ગાંધીધામ તાલુકાના ચુડવા ગામે આવેલા વાડામાં આરટીઓની પરવાનગી વગર ટ્રકને ભંગારમાં ફેરવવામાં આવતી હતી, ત્યારે એસઓજીએ દરોડો પાડીને ર૯.ર૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ એસઓજીએ ચુડવા ગામે પ્લોટ નંબર ૧૬૦, ૧૬૧, શ્રી રામ ટ્રેડર્સ પાસે રામજીભાઈ રામદાસ પાઠક (રહે.વોર્ડ નં. ૮-એ, સુભાષનગર) વાળાના ટ્રક નંબર જી.જે.૧.એ.ટી. ૧પપપ ને ભંગારમાં કટીંગ કરવા તથા વાહન નોંધણી રદ્‌ કરવા અંગેની આરટીઓ માન્ય ના વાંધા પ્રમાણપત્ર માંગતા રજૂ કરી શકયા ન હતા. વાડામાં ગોપાલ રીખઈ શાહાની અને દુર્ગેશકુમાર કપિલમુની મિશ્રા ગેરકાયદે રીતે ટ્રકને ભંગારમાં કટીંગ કરતા હોઈ ત્રણેય સામે મોટર વ્હીકલ એકટ મુજબ બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ટ્રક નંબર જી.જે.૧.એટી ૧પપપ વાળીનું અડધું કટીંગ કરી દેવાયું હતું, જેની કિંમત ૧,પપ,૦૦૦ આંકવામાં આવી છે. આ સિવાય ગેસ કટર, નળીઓ, ગેસનો બાટલો, ઓક્સિજનના બાટલા તેમજ રર લાખનું ટ્રેલર નંબર જી.જે.૧ર.બીડબલ્યુ. પ૦૬૭ અને તેમાં રહેલ પ.પ૮ લાખનો ૧પ,૯૭૦ કિલો ભંગાર મળી કુલ્લ રૂા. ર૯.ર૦ લાખનો મુદ્દામાલ આ વાડામાંથી સીઝન કરી ત્રણેય સામે ફરિયાદ દાખલ થતા અન્ય વાડાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને એક તબક્કે વાહનને ભંગારમાં ફેરવવાની પ્રવૃતિ પણ બંધ કરી દેવામાં આવી હતી.