ચીરઈ – લુણવાના નવા માર્ગ પર દિશા સૂચક બોર્ડ ચોરનારા બે શખ્સો ઝડપાયા

ભુજ : હાઈવે માર્ગ પર દિશા સૂચક બોર્ડની સાઈન બોર્ડની ચોરી કરનારા બે શખ્સોને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા.ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન લુણવા ગામ તરફથી અતુલ શક્તિ છકડામાં બે ઈસમો ચોરીના શંકાસ્પદ સાઈન બોર્ડ ભરીને ચોપડવા તરફ આવતા હતા. જે બાતમીના આધારે એનઆરઈ કંપની પાસે પોલીસે વોચમાં રહી વાહન અટકાવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ૪૦ હજારની કિંમતના જી.જે. ૧ સી.યુ. ૩૮૯૧ નંબરના છકડામાંથી ૩પ હજારની કિંમતના ૧૦ દિશા સૂચક સાઈન બોર્ડ મળી આવ્યા હતા. આ બોર્ડ જુની મોટી ચીરઈથી લુણવા તરફ જવાના નવા બનેલા રોડ પરથી ચોરવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસે ગાંધીધામના ખોડીયાર નગરમાં રહેતા ભાવેશ કિશનભાઈ વારૈયા અને સુરેશ રાકેશ કુવારિયા નામના ર૦ વર્ષિય યુવાનોને ઝડપી પાડ્યા હતા. આ અંગે રોડ કોન્ટ્રાકટર તેમજ માર્ગ મકાન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.