ચીને પાક માટે બે ઉપગ્રહ છોડ્‌યા

બીજિંગ / ઇસ્લામાબાદઃ ચીને સોમવારે પોતાના મિત્ર દેશ પાકિસ્તાન માટે બે રિમૉટ સેન્સિંગ સેટલાઇટ (ઉપગ્રહ) સફળતાપૂર્વ અવકાશમાં છોડ્‌યા હતા. અગાઉ, ચીને ૨૦૧૧ના ઑગસ્ટમાં પાકિસ્તાન માટે સંદેશવ્યવહારને લગતો ઉપગ્રહ ‘પાકસૅટ-વનઆર’ આવકાશમાં છોડીને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. વાયવ્ય ચીનના જિક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટર ખાતેથી લૉંગ માર્ચ-ટૂસી રૉકેટ દ્વારા સોમવારે સવારે ૧૧-૫૬ વાગ્યે પાકિસ્તાનના બે ઉપગ્રહ – ‘પ્રેસ-વન’ અને ‘પાકટેસ-વનએ’ છોડાયા હતા. ચીને પાકિસ્તાનને વેચેલો સૌપ્રથમ ઑપ્ટિકલ રિમૉટ સેન્સિંગ સેટલાઇટ ‘પ્રેસ-વન’ છે. ચાઇના એકેડેમી ઑફ સ્પેસ ટેક્નોલોજી દ્વારા વિદેશ માટે તૈયાર કરાયેલો આ ૧૭મો ઉપગ્રહ છે. પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમૉસ્ફિયર રિસર્ચ કમિશનના ઇજનેરો દ્વારા તૈયાર કરાયેલો ‘પાકટેસ-વનએ’ ઉપગ્રહ વૈજ્ઞાનિક પ્રયોગ માટેનો ઉપગ્રહ હોવાનું કહેવાય છે અને તેને પણ આ જ રૉકેટની મદદથી અવકાશમાં છોડાયો હતો. ચાઇના એકેડેમી ઑફ સ્પેસ ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે ‘પ્રેસ-વન’ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ તેની સૉલાર પેનલ્સ સરળતાથી ખોલાઇ હતી અને તે સારી સ્થિતિમાં છે. ‘પ્રેસ-વન’ ઉપગ્રહનો ઉપયોગ જમીન અને સ્રોતોનાં સર્વેક્ષણ માટે, કુદરતી આફતની માહિતી મેળવવા, કૃષિ સંશોધન માટે, ચીનની સરકારના બેલ્ટ એન્ડ રૉડ ઇનિશિયેટિવ હેઠળના ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર માટે રિમૉટ સેન્સિંગ ઇન્ફૉર્મેશન આપવા કરાશે. ચીને છોડેલા પાકિસ્તાનના આ બે ઉપગ્રહથી પાકિસ્તાનના આર્થિક વિકાસમાં અને જનતાનું જીવનધોરણ સુધારવામાં સહાય મળવાની આશા છે.