ચીની સેનાએ અમેરિકન કંપની ટેસ્લા ઇંકની કાર પર પ્રતિબંધ મૂક્યો

(જી.એન.એસ.)વોશિંગ્ટન/બીજિંગ,ચીન અને અમેરિકાની વચ્ચે તણાવ વધી રહ્યો છે. ડ્રેગન એટલે કે ચીન અને અંકલ સેમ તરીકે જાણીતા અમેરિકાએ પ્રતિબંધો દ્વારા એકબીજાની વિરૂદ્ધ પોતાનો ગુસ્સો પ્રકટ કરી રહ્યા છે. હવે ચીનની સેનાએ અમેરિકન કંપની ટેસ્લા ઇંકની કાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીનું કહેવું છે કે ટેસ્લાની કાર્સમાં લાગેલા કેમેરા સંવેદનશીલ ડેટા માટે ખતરો હોઇ શકે છે, આથી તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.એક રિપોર્ટ પ્રમાણે પીએલએએ આ પગલું કોમ્યુનિસ્ટ સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા સમીક્ષા બાદ ઉઠાવ્યું છે. ચીની અધિકારીઓનું માનવું છે કે ટેસ્લાની કાર્સમાં લાગેલા સેન્સર આસપાસના સ્થળોની તસવીરો રેકોર્ડ કરી શકે છે. આ સિવાય આ સેન્સરની મદદથી એ પણ ખબર પડી શકે છે કે કારનો કયારે અને કેવો ઉપયોગ કરાય છે. અધિકારીઓના મતે સેન્સર ડ્રાઇવરના વ્યક્તિગત ડેટા અને તેમના ફોનમાં સિંક કોન્ટેક્ટ લિસ્ટ માટે પણ ખતરનાક હોઇ શકે છે.બીજા અન્ય ઓટોમોબાઇલ નિર્માતાઓની જેમ ટેસ્લા પણ પોતાની કાર્સમાં ઇન્ટરનલ કેમેરા લગાવે છે, જેથી કરીને ડ્રાઇવરને પાર્કિંગ વગેરેમાં મદદ મળી શકે. આની પહેલાં અમેરિકન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ઇંકે ચીન સ્થિત પોતાની પ્રોડકશન સાઇટમાં હેકિંગની વાત કહી હતી. કંપનીએ કહ્યું હતું કે હેકિંગની ઘટના માત્ર હેનાન પ્રાંત સ્થિત તેના ઉત્પાદન સ્થળ સુધી મર્યાદિત હતી અને તેની શાંઘાઇ કાર ફેકટરી અને શોરૂમ પર તેની કોઇ અસર પડી નથી.ચીની નિયામકે ટેસ્લા અધિકારીઓને આ સંદર્ભે તેમની ચિંતા વ્યક્ત કરવા સમન્સ પાઠવ્યું છે. નિયમનકારે કંપનીને જણાવ્યું છે કે તેમની કાર્સમાં તકનીકી સમસ્યાઓ આવી રહી છે, જેના કારણે સુરક્ષાને લગતા જોખમો ઉભા થઈ શકે છે. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશને એક નિવેદનમાં કહ્યું કે ટેસ્લાની કાર્સને લઇ ગ્રાહકોએ કેટલીય ફરિયાદો કરી છે. જેમાં અસામાન્ય એક્સીલરેશન, બેટરીમાં આગ લાગવી અને રિમોટ અપડેટ સિસ્ટમની ખામી સામાન્ય છે. નિયમનકારે ટેસ્લાને કહ્યું છે કે તેમણે ચીનના કાયદાઓનું કડક પાલન કરવું પડશે.