ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરોઃ આરએસએસ

ગંગટોકઃ ચીનના વિસ્તારવાદના એજન્ડા પર પ્રહાર કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઇન્દ્રેશકુમારે ચીનના અર્થતંત્રને નબળું પાડવા ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. લશ્કરી માર્ગે ચીનને હરાવી શકાય એમ ન હોવાને કારણે ચીનના માલનો સામૂહિક બહિષ્કાર કરી તેનાં અર્થતંત્ર પર પ્રહાર કરવો જોઈએ, એમ તેમણે અહીં યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું. કોઈપણ દેશ ચીની બનાવટના માલનો બહિષ્કાર કરી તેને સરળતાથી હચમચાવી શકે છે, એમ ઇન્ડો-તિબેટન ફ્રેન્ડશિપ સોસાયટીના સ્થાપક ઇન્દ્રેશકુમારે કહ્યું હતું. ચીનના વિસ્તારવાદી એજન્ડા પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે ભારતને ચારે તરફથી ઘેરવા ચીન, બંગલાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને વિકાસની યોજનાઓને નામે ઉદારતાપૂર્વક વ્યાપક ભંડોળ પૂરું પાડી રહ્યું છે.