સસ્તા ભાવે સોનું આપનાર ચીટરોને નકલી નોટો આપવા આવનાર દંપતિ ખુદ બાટલીમાં ઉતર્યું

ભુજ : શહેરની બજારમાં ખરીદી માટે આવીને વેપારીઓને નકલી નોટો ધાબડનાર દંપતિને પોલીસે દબોચીને તપાસ આદરી છે. આ યુગલ પાસેથી રૂા.૧ર.૧૦ લાખની નકલી નોટો મળી હતી. સસ્તા ભાવે સોનું આપનાર ચીટરોને નકલી નોટો ધાબડીને ચીટીંગ કરવા આવેલું યુગલ ખુદ શીશામાં ઉતરી ગયું હતું.નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપી રાહુલકૃષ્ણ ગોપાલ કસેરા અને તેની પત્ની મેઘા રાહુલ કસેરા વિરૂધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી યુગલના કબ્જામાંથી રૂા.ર હજારના દરની પ૭૪ અને પ૦૦ના દરની ૧રપ નકલી નોટ મળીને કુલ રૂા.૧ર,૧૦,૦૦૦નું જાલી ચલણ કબ્જે કર્યું હતું. તો રૂા.રપ હજારની સાચી નોટ, ૪ મોબાઈલ, ખરીદી કરેલ ચીજવસ્તુઓ, દોઢ લાખની એમપી. ૪૩. સી. ૯પરર નંબરની સ્વીફટ કાર પોલીસે કબ્જે કરી હતી. બનાવને પગલે ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, આ દંપતિ મધ્યપ્રદેશમાં કોઈ ગુનામાં સંડોવાય છે કે કેમ તેની પણ તપાસ કરાશે.