ચિલોડામાં ક્રિષ્ના હોસ્પિટલ નજીક ઇકો કારે મહિલાને ટક્કર મારતા મોત

(જી.એન.એસ.)ચિલોડા,ગાંધીનગરના મોટા ચિંલોડા ક્રિશ્ના હોસ્પિટલ નજીક ઘરની આગળ બેઠેલા દંપતી ઉપર ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને અડફેટ મારતા મહિલા પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ઈકો કારમાં સવાર બે યુવકોને ઝડપી લઈ ચિંલોંડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે ક્રિષ્ના હોસ્પિટલની નજીક રહેતા નીતિનભાઈ દાતણીયાના પરિવારના પિતા અરવિંદભાઈ તેમજ માતા મંજુલાબેન તેમજ મામા કાળુભાઇ દંતાણી છે. ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં નિતીનભાઈ તેમનાં માતા પિતા તેમજ મામા જમી પરવારીને ઘર આગળ બેસીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ક્રિશ્ના હોસ્પિટલ તરફથી રોંગ સાઇડેથી એક ગ્રે કલરની ઇકો કાર પૂરપાટ ઝડપે આવી ચડી હતી. જેનાં કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેને લોકોએ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ઘર આગળ બેઠેલા મંજુલાબેનને તેમજ તેમના પતિ અરવિંદભાઈને અડફેટે લીધા હતા.ઇકો કારે અડફેટે લેતાં મંજુલાબેન રોડ પર ઢળી પડ્યા હતા તે વખતે કારનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું. જ્યારે અરવિંદ ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં ચાલકે થોડેક આગળ જઈને કાર રોકી દીધી હતી. આ બનાવના પગલે આસપાસના લોકોએ કારમાં સવાર બન્ને યુવકોને સારો એવો મેથીપાક આપ્યો હતો.બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં ફરજ પરના તબીબે મંજુલાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અરવિંદભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ચિંલોડા પોલીસ મથકના પી.એસ.આઈ નયનાબેન પરમાર સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને બન્ને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે નવી નક્કોર કાર લઈને નીકળેલા બન્ને યુવાનોએ મહિલાને કચડી નાખતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.