ચાર ખેલાડીને IPL છોડી પરત ફરવાનો ઈંગ્લેન્ડ બોર્ડનો આદેશ

લંડનઃ આઇપીએલની ૧૧મી સિઝન એ તબક્કામાં પહોંચી ચૂકી છે, જ્યાં એક પરાજય ટીમને પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકી શકે છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી ટીમ માટે આ વાત લાગુ પડે છે. પ્લે ઓફની લડાઇ વચ્ચે ઈંગ્લેન્ડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે
પોતાના ચાર દિગ્ગજ ખેલાડીને આઇપીએલ અધવચ્ચે છોડીને સ્વદેશ પાછા ફરવાનો આદેશ જારી કરી દીધો છે.જે ખેલાડીઓને ઈસીબીએ પાછા બોલાવ્યા છે તેઓ છે – ક્રિસ વોક્સ (આરસીબી), મોઈન અલી (આરસીબી), માર્ક વૂડ (સીએસકે) અને બેન સ્ટોક્સ (રાજસ્થાન રોયલ્સ). સૂત્રોની વાત માનીએ તો આ ખેલાડીઓને ૧૭ મે સુધીમાં ઈંગ્લેન્ડ પાછા ફરવાનું છે. પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે, જેની શરૂઆત ૨૪ મેએ લોડ્‌ર્સના મેદાન પર થઈ રહી છે.