ચાઈલ્ડ પોર્નોગ્રાફીના શોખીન એવા વરસામેડીના શખ્સ સામે પોલીસ કાર્યવાહી

એસઓજીએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપલાઈનના આધારે આરોપીનો મોબાઈલ જપ્ત કરી અંજાર પોલીસ મથકે
નોંધ કરાવતા હાથ ધરાઈ તપાસ

ગાંધીધામ : ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ હોવાના કારણે તેને લગતા ફોટો-વીડિયો મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણોમાં સંગ્રહ કરી તેની આપ-લે કરવી ગુનો બને છે ત્યારે પૂર્વ કચ્છ એસઓજી દ્વારા અંજારના વરસામેડીમાં રહેતા એક શખ્સ સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી કરી આરોપીઓનો મોબાઈલ જપ્ત કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ ભુજના સાયબ સેલ દ્વારા અપાયેલી ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપલાઈનના આધારે પૂર્વ કચ્છ એસઓજીની ટીમે અંજારના વરસામેડીમાં શાંતિધામ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ. ર૩)ને ઝડપી પાડી તેના કબજામાંથી મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના કબજાના મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધી સાહિત્ય, ફોટો-વીડિયોનો સંગ્રહ કર્યો હતો. જે અંગે પંચોની રૂબરૂમાં મોબાઈલ ફોન ચેક કરીને કાર્યવાહી કરાઈ હતી. આ અંગે અંજાર પોલીસ મથકે એસઓજી દ્વારા જાણવા જોગ દાખલ કરવામાં આવતા પીએસઆઈ સી.બી. રાઠોડ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.