ચકચારી હમીરપર હત્યાકાંડમાં છ આરોપીઓને હાઈકોર્ટે આપેલા જામીન રદ્દ કરતી સુપ્રિમ કોર્ટ

પાંચ લોકોની કરાયેલી હત્યામાં નામદાર સુપ્રિમ કોર્ટે આરોપીઓને સરેન્ડર કરવાનો કર્યો હુકમ

રાપર : તાલુકાના હમીરપરમાં પાંચ જણની કરાયેલી હત્યાના કેસમાં છ આરોપીના નામદાર ગુજરાત હોઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીનને સુપ્રિમ કોર્ટે રદ કર્યા છે. તેમજ ત્હોમતદારોને તાત્કાલિક સરેન્ડર થવા સુપ્રિમે આદેશ કર્યો છે. આ બનાવની હકીકીત એવી છે કે, ગત 9મી મે 2020ના હમીરપરની સીમમાં અખાભાઈ જેસંગભાઈ ઉમટ (રાજપુત) અને તેની સાથે તેના સાત સબંધીઓ તેમની સ્કોર્પિયો ગાડીમાં હમીરપર ગામે પોતાના ઘેર આવતા હતા. ત્યારે તેમની સ્કોર્પિયો ગાડી લાખા હીરા કોલી, કાનજી બીજલ કોલી લખમણ બીજલ કોલીએ વાડીના વચ્ચે કાચા રસ્તામાં રોકી હતી. અને લાખા હીરા કોલીએ અચાનક પોતાનુ ટ્રેકટર અખાભાઈ જેશંગભાઈ ઉમટની સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે ભટકાવ્યુ હતુ. ત્યારે અખાભાઈ પોતાની ગાડી રીવર્સમાં લેવાનો પ્રયાસ કરતા પાછળના ભાગે કાનજી બીજલ કોલીએ તેનુ ટ્રેકટર અથડાવ્યુ હતુ. સ્કોર્પિયો કાર રોકીને 22 જેટલા શખ્સોએ હતભાગીઓને ઘેરી લીધા હતા. અને જીવલેણ હથિયારોથી હુમલો કરાતા પાંચ વ્યકિતઓની હત્યા કરાઈ હતી. જેમા અખાભાઈ જેશંગભાઈ ઉમટ, અમરાભાઈ જેશંગભાઈ ઉમટ, લાલજીભાઈ અખાભાઈ ઉમટ, પેથાભાઈ ભવાનભાઈ રાઠોડ, વેલાભાઈ પાંચાભાઈ ઉમટ (રહે.તમામ હમીરપર મોટી, તા.રાપર)નુ મોત નીપજ્યુ હતુ. આ ચકચારી હત્યાકાંડમાં ફરીયાદી રામેશભાઈ ભગવાનભાઈ રાઠોડે સામૂહિક હત્યાકાંડનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગે મુખ્ય 6 આરોપીઓ વિશન હીરા કોલી, પ્રવિણ હીરા કોલી, સિદ્ધરાજસિંહ ભગુભા વાધેલા, ખેતા પરબત કોલી, વનરાજ કરશન કોલી અને  દિનેશ કરશન કોલી દ્વારા ભચાઉના નામદાર એડિશ્નલ સેસન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે જુદી-જુદી અરજીઓ કરી હતી. પરંતુ જે તે વખતે ગુણદોષને આધારે જામીન અરજીઓ રદ્દ કરવામાં આવી હતી.  બાદમાં આરોપીઓ દ્વારા નામદારશ્રી ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે જુદી-જુદી અરજીઓ કરાઈ હતી. જેમા અલગ-અલગ ન્યામૂર્તિઓ દ્વારા છ વ્યક્તિઓને અલગ અલગ રીતે જામીન પર મુક્ત કરવાનો હુકમો કરવામાં આવ્યો હતો. જેને પગલે મુળ ફરીયાદી રમેશ ભાવન રાઠોડે સુપ્રિમ કોર્ટમાં ઘા નાખી હતી. જેને પગલે સુપ્રિમ કોર્ટે સમગ્ર કેસનો અભ્યાસ કર્યા બાદ હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીનને રદ્દ કરી આરોપીઓનો સરેન્ડર થવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટમાં મૂળ ફરિયાદી રેમશ ભવાન રાઠોડના વકિલ તરીકે મુળ કચ્છના રાજ પરિવારના સ્વર્ગસ્થ જોરાવરસિંહજી જાડેજાના પૌત્રી અને દેવેન્દ્રસિંહજી જાડેજાના પુત્રી જયકૃતિબા જાડેજાએ દલીલો કરી હોવાનું ધોળકિયા એન્ડ ધોળકિયા એડવોકેટ્સના ડી.એમ જાડેજાએ જણાવ્યુ હતુ.