ચંપલમાં સંતાડ્‌યું ૧૧ કરોડનું સોનું

મુંબઇ : શિવડી ગોદીમાંના કન્ટેનરમાં છુપાવવામાં આવેલું ૩૮ કિલો સોનું કસ્ટમ્સ અધિકારીઓએ જપ્ત કર્યુ છે. છેલ્લા ૨૦ વર્ષમાં કસ્ટમ્સ અધિકારીઓએ કરેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. જપ્ત કરવામાં આવેલું સોનું લેડીઝ ચંપલોમાં સંતાડવામાં આવ્યું હતું. હસ્તગત કરવામાં આવેલા સોનાની કિંમત ૧૧ કરોડ ૪૦ લાખ
રૂપિયા છે. ડોંગરી ખાતેની અલ રહેમાન ઇમ્પેકટ્‌સ નામની  ઇમ્પોર્ટ કંપનીએ મહિલાઓ માટેના સ્લિપર થાઇલેન્ડમાંથી મગાવ્યાં હતા. ૨૧ સ્ટેમ્બરે આ કન્સાઇનમેન્ટ ઇન્દિરા ડોકસ ખાતે આવ્યું હતું અને ત્યાર બાદ એને તપાસ માટે શિવડી ટિમ્પર પોન્ડમાં લાવવામં આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારી આમ તો કન્ટેનરની સામાન્ય તપાસ જ કરતા હોય છે, પરંતુ આ ઇમ્પોર્ટરે પહેલી જ વખત માલની આયાત કરી હોવાથી બધાં જ કન્ટેનરોની  ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સ્ક્રીન પર ચંપલની શંકાસ્પદ તસ્વીર દેખાઇ હતી અને તપાસમાં એમાં સોનાના ૩૮ બાર છુપાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું.