ઘોરાડ સંરક્ષણ હેતુ કડક કાયદાપાલન સહ લોકજાગૃતિ અનિવાર્ય : એચ.એસ.સિંગ

નલીયા : વિશ્વમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડ માત્ર અબડાસાની નલીયા સેન્ચુરીમાં બચ્યા છે તેના સંરક્ષણ હેતુ કડક કાયદાપાલન સાથે લોકજાગૃતિ અનિવાર્ય છે તેવું નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય એવા શ્રી એચ.એસ.સિંગએ કચ્છ વન વર્તુળ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત નલીયાના ઘોરાડ સંચેતના કેન્દ્ર ખાતે યોજાયેલા એક દિવસિય ઘોરાડ સંરક્ષણ સેમીનારમાં અધ્યક્ષસ્થાનેથી વક્તવ્ય આપતા જણાવ્યું હતું. નિવૃત્ત આઈ.એફ.એસ. અધિકારી અને વન્ય જીવસૃષ્ટિના નિષ્ણાંત એવા નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યશ્રી સિંગે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઘોરાડ એટલે કે ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડની સંખ્યા માત્ર ૧ર૦ થી વધુની છે.જેમાં સૌથી વધુ નલીયાની સેન્ચુરીમાં છે તે કચ્છ માટે ગૌરવની વાત છે.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની સેન્ચુરીમાં આ પક્ષી લુપ્ત થઈ ગયેલ છે.કર્ણાટક અને આંધ્રમાં તે ડબલ આંકડામાં નથી.ઘોરાડ માટે આશાનું કિરણ માત્ર ગુજરાતના કચ્છની નલીયા સેન્ચુરી અને રાજસ્થાન છે.વરસે ર૭ કરોડનો ખર્ચ કરવા છતા પ્રોજેક્ટના અમલીકરણ માટે થઈ રહેલા વિલંબના લીધે તેના પર ખતરો ઉભો થયો છે.જેવી રીતે પ્રોટેજ્ટ ટાઈગર અભિયાન સફળ થયું તેવી સર્વગ્રાહી કામગીરી ઘોરાડ માટે જરૂરી છે.ઘોરાડ સાથે વન્ય જીવસુષ્ટિની ૧૭ જાત હાલ ગંભીર પરિસ્થિતિમાં છે અને જા યોગ્ય જતન માટે ટુંકમાં જ પગલા ન લેવાય તો તે પ્રજાતિઓ લુપ્ત થઈ જાય તેવી સ્થિતિ છે.છેલ્લા ૧૦-૧ર વરસમાં થયેલા વિકાસકીય પરિવર્તનોના લીધે સમગ્ર વન્ય જીવસૃષ્ટિ પર ખતરો ઉભો થયો છે તેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આફ્રિકા અને ભારત મુખ્ય કેન્દ્રો છે.ભારતમાં લોકો જીવસૃષ્ટિના જતનની તાલીમ લેવા આવે છે તે ભારતીયોની તે પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.નદીઓ સુકાઈ રહી છે અને મોટા હાઈ-વેના નિર્માણ તથા અન્ય પાસાઓના નિર્માણ સમયે વન્ય જીવોના જતન માટેના પગલા લેવાય તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.લોકોના માનસમાં તે માટેની જાગૃતિનું સતત હેમરીંગ કરાય તો જ જીવસૃષ્ટિ બચશે તેવું તેમણે જણાવ્યું હતું. સેમીનારની શરૂઆતમાં દિપ પ્રાગટય મહેમાનોના હસ્તે કરાયા બાદ શાબ્દીક સ્વાગત ડો.સુચિન્દ્રાએ કર્યું હતું.પ્રાર્થના વી.આર.ટી.આઈ.ની બાળાઓએ રજુ કર્યા બાદ મહેમાનોનું શાલ ઓઢાડી સુતરની આંટી દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કચ્છઉદય સાથેની ખાસ વાતચીતમાં કચ્છ વન વિભાગના વડાશ્રી કે.એસ.રંધાવાએ જણાવ્યું હતું કે વન્ય જીવો પ્રત્યે સમાજની જાગૃતિ માટે વન વિભાગ દ્વારા દર વરસે વન્ય જીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ઘોરાડના સંરક્ષણ માટેના એક દિવસિય સેમીનારનું આયોજન કરાયું છે.તેમણે ઘોરાડના જતન માટે વિસ્તાર ૩૭૦૦ હેક્ટર હતો તેના બદલે હાલ પ૪૦૦ હેક્ટરનો કબજા પણ જંગલખાતએ રેવેન્યુ વિભાગ પાસેથી લઈ લીધો છે તેવું જણાવી આજુબાજુના ગામોના લોકોનો સહકાર ઘોરાડ સંરક્ષણ માટે જરૂરી છે તેમ જણાવી ફન્સિંગ સહિતની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.ખાનગી કંપનીના વિજતારના લીધે ઘોરાડના મૃત્યુ અંગેના સવાલમાં તેમણે આ માટે ખાનગી કંપનીને નોટીશ આપી અને પેન્લ્ટી સહીતની કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું. સેમીનારમાં પ્રસંગ પરીચય શ્રી એમ.બી.પટેલે આપ્યા બાદ વિવિધ વક્તાઓના પ્રવચનો, પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન વગેરે સવારથી સાંજ સુધી યોજાયેલા કાર્યક્રમમાં યોજાયા હતા. આ પ્રસંગે ઉપરોક્ત મહાનુભાવો સાથે ગાઈડના વિજયકુમાર, ગુજરાત ઈકોલોજી કમિશનના નાયબ વન સંરક્ષકશ્રી સંપટ, નેશનલ વાઈલ્ડ લાઈફ ઈન્સ.ના ડો.સુધીર દત્તા, કોરબેટ ફાઉન્ડેશનના દેવેશ ગઢવી, ડો.સુચિન્દ્રા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબા જાડેજા, નલીયાના સર૫ંચશ્રી, નલીયા મામલતદારશ્રી પુજારા સહિતના મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા.
ક્ષત્રિય અગ્રણી છત્રસિંહ જાડેજા, હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, મુળરાજ ગઢવી, જયદિપસિંહ જાડેજા, અરજણ ભાનુશાલી, વિપક્ષી નેતા અબ્દુલ્લા ગજણ, જુસબ ભુકેરા, પરેશ ભાનુશાલી, નરેન્દ્ર માસ્તર સહિત વિવિધ ગામોના સરપંચો તથા અગ્રણીઓએ સેમીનારમાં ભાગ લઈ વિવિધ સુચનો કર્યા હતા.વ્યવસ્થા નલીયા વન વિભાગના આર.એફ.ઓ. સર્વશ્રી વી.બી.ઝાલા તથા શ્રી સોઢા તથા સ્ટાફના દયાપર આર.એફ.ઓ.શ્રી મોરી, મહેશ્વરીભાઈ, ખાવરાભાઈ, રામગઢવી, શામજી ફુફલ, શ્યામ ગઢવી, રામ ગઢવી, અશ્વિનસીંહ જાડેજા વગેરેએ સંભાળી હતી.સંચાલન શ્રી જનકભાઈ જોષીએ કર્યું હતું.પક્ષીવિદ્દો નવીન બાપટ,  અખિલેશ અંતાણી, પરમારભાઈ, પટેલભાઈ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.