ઘાટકોપરના કચ્છીની રહસ્યમય આત્મહત્યા

મુંબઈ : ઘાટકોપર (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશનની સામે શાંતિકુંજ નંબર એકના બીજે માળે ફ્‌લૅટ-નંબર ૧૨માં રહેતા ૫૪ વર્ષના મહેશ દેઢિયાએ નાયલૉનની રસ્સીથી ગળે ફાંસો ખાઈને તેમના બેડરૂમમાં આત્મહત્યા કરતાં આ વિસ્તારમાં અને કચ્છી સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મહેશ દેઢિયા આ ફ્‌લૅટમાં એકલા જ રહેતા હતા. મહેશ દેઢિયા આત્મહત્યા કરતાં પહેલાં ફૂલ્સકૅપનાં બે પાનાં ભરીને સુસાઇડ-નોટ લખીને ગયા છે. ગઈ કાલના બનાવની વિગતો આપતાં આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘મહેશભાઈ સાવ જ નિવૃત્ત જીવન જીવતા હતા. મહેશભાઈને બે ભાઈ અને ત્રણ બહેનો છે. તે તેમના ફ્‌લૅટથી થોડા અંતરે આવેલા તેમના મોટા ભાઈ કાન્તિભાઈને ત્યાં જમવા જતા હતા. ગઈ કાલે મહેશભાઈ કાન્તિભાઈના ઘરે જમવા ન પહોંચતાં કાન્તિભાઈના પુત્ર જીવણ અને અન્ય લોકોએ મહેશભાઈના મોબાઇલ પર ફોન કર્યા હતા, પરંતુ મહેશભાઈનો ફોન લાગ્યો નહોતો. એથી જીવણ અને અન્ય પરિવારજનો શાંતિકુંજમાં મહેશભાઈના ઘરે આવ્યા હતા.’ મહેશભાઈના ફ્‌લૅટનો દરવાજો અંદરથી બંધ હતો એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘જીવણ અને તેના પરિવારજનો શાંતિકુંજ પહોંચ્યા ત્યારે મહેશભાઈનો દરવાજો બંધ હતો.
મહેશભાઈએ દરવાજો ન ખોલતાં જીવણે ધક્કો મારતાં દરવાજો ખૂલી ગયો હતો. તેઓ અંદર ગયા તો બેડરૂમના પંખા પર નાયલૉનની રસ્સી સાથે મહેશભાઈની ડેડ-બૉડી લટકતી હતી. બાજુમાં ઍલ્યુમિનિયમની સીડી પડી હતી. બૉડીની નીચે પ્લાસ્ટિકનું ટબ કપડું ઢાંકેલું પડ્‌યું હતું તેમ જ બહારના રૂમમાં સોફા પર મહેશભાઈએ લખેલી સુસાઇડ-નોટ એક પ્લાસ્ટિકના ફોલ્ડરમાં પડી હતી. રિલેટિવે તરત પોલીસને ફોન કરીને આ બાબતની માહિતી આપી હતી.’પોલીસના આવ્યા પછી ફોલ્ડરમાંથી સુસાઇડ-નોટ કાઢીને જોતાં એ બ્લુ અને રેડ પેનથી લખાયેલી હતી. આ બાબતની જાણકારી આપતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘પોલીસે સુસાઇડ-નોટ કોઈને વાંચવા નહોતી આપી.
પોલીસ આવી એ પહેલાં ઉપર- ઉપરથી વંચાયેલી સુસાઇડ-નોટમાં એમ લખવામાં આવ્યું હતું કે હું આ નોટ હોશમાં લખી રહ્યું છું. મારા પર કોઈનું દબાણ નથી. હું સુસાઇડ મારી મરજીથી કરી રહ્યો છું. મારા ફ્‌લૅટના સોદાની આવેલી રકમ મેં મારે જેને-જેને પૈસા ચૂકવવાના હતા તેને આપી દીધી છે. અમુક લોકોને મારે ગિફ્‌ટ આપવાની હતી તેને પણ મેં ગિફ્‌ટ આપી દીધી છે. મારે હરણિયાનું ઑપરેશન કરાવવાનું છે, પણ એના માટે મારી પાસે પૈસા નથી.