ઘડુલી – છુગેર માર્ગે બોલેરો હડફેટે બાઈક સવાર આધેડનું કરૂણ મોત

દયાપર પોલીસ મથકે ગુનો નોંધાતા હાથ ધરાઈ તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)દયાપર : લખપત તાલુકાના ઘડુલી – છુગેર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આધેડનું કરૂણ મોત નિપજયું હતું. બોલેરોએ બાઈકને હડફેટમાં લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જે અંગે દયાપર પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો હતો.દયાપર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ જયપાલસિંહ શક્તિસિંહ સોઢા (ઉ.વ.રર) (રહે. મેવાનગર, તા.નખત્રાણા)એ જીજે ૦૧ જે ટી ૧૯પ૪ નંબરની બોલેરો જીપ ચાલક અને અમદાવાદના નરોડામાં રહેતા આકાશ ગોપાલભાઈ શર્મા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જીપ ચાલકે પુરપાટ વેગે બેદરકારી પૂર્વક વાહન હંકારી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવીને જી જે ૧ર ડીપી ૬૧૭૭ નંબરની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીના પિતા શક્તિસિંહ ગજેન્દ્રસિંહ સોઢાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. ઘટના અંગે દયાપર પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ એ. એમ. ગેલોતે આગળની તપાસ હાથ ધરી છે.