ઘડુલીમાં ગૌચર જમીન પર ગેરકાયદે રસ્તો બનાવી ખનિજચોરી કરાતી હોવાની રાવ

નખત્રાણા : લખપત તાલુકાના ઘડુલી ગામે પવનચક્કીની કંપનીઓ દ્વારા ગૌચર જમીન પર બિનઅધિકૃત પ્રવેશ કરી રસ્તો બનાવી ખનિજ ચોરી કરવામાં આવતી હોવાની રજૂઆત સ્થાનિક ગ્રામજનો દ્વારા મામલતદારને કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઘડુલીમાં જી-પાવર કંપની દ્વારા પવનચક્કીનો પ્રોજેકટ હાથ પર લેવાયો છે. આ કંપની દ્વારા પેટામાં સાઈટેક કંપનીને કામ સોંપેલ છે, ત્યારે સાઈટેક કંપની અને ઓપેરા એનર્જી દ્વારા ગૌચર જમીનો પર ઝાડી – ઝાંખરા દૂર કરી મોટો રસ્તો બનાવાયો છે, જેના કારણે ગૌચર જમીનનું અસ્તિત્વ નાબૂદ થઈ રહ્યું છે. ઘડુલીમાં ર૬ પોઈન્ટ પર પવનચક્કી ઉભી કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. આ બાબતે ગામના સરપંચ નીતિનભાઈ પટેલે પણ પોલીસમાં રજૂઆત કરી હતી. છતાં કોઈ કામગીરી થઈ નથી. ઘડુલી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૮થી ૧૦ વખત કામ બંધ કરવા જણાવાયું હતું, છતાં કોઈ પગલાં લેવાયા નથી. એકતરફ ગામમાં જમીન ઓછી છે, તેવામાં ગૌચર જમીન પરથી પવનચક્કીનો રસ્તો કાઢવામાં આવશે, તો ગામના પશુધનને ચરિયાણ માટે જમીન નહીં મળી રહે તેવી દેહશત વ્યક્ત કરાઈ છે. ગૌચરના નાશથી ગામમાં લગભગ ૩ હજારથી વધુ પશુધનને અસર પહોંચે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. કંપનીના આવા પ્રયાસોથી પશુધનને ફટકો પડે તેમ હોઈ કંપની સામે પગલાં લેવા ગ્રામજનોએ માંગ કરી છે. રસ્તો બનાવવા માટે ગ્રામ પંચાયતની મંજૂરી પણ નથી લેવાઈ તેમજ લોકોનો વિશ્વાસ પણ સંપાદીત કરાયો નથી. સરકારી જમીન પરથી ખાડા ખોદી માટી ચોરી કરતા હોવાથી ખાણ ખનિજ અને પોલીસ તંત્ર આ દિશામાં પણ તપાસ કરાવે તે માટે રજૂઆત કરાઈ હતી.