ગ્રામ પંચાયતોની અથાગ સાવચેતી, જાગૃતતા છતાં : સાવધાન… નખત્રાણાના ગામડાઓમાં બીજી લહેરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો

પાવરપટ્ટી, બાવનપટ્ટી ઉપલોવાસ સહિતના ગામડાઓમાં કોરોનાના કેસોમાં અનેક યુવાનો મોતના મુખમાં ધકેલાયા : વહિવટીતંત્ર ગામડાઓ પર સક્રિય પગલાં ભરે તે સમયની માંગ

નખત્રાણા : નાની બેદરકારી પણ ભારે પડી શકે છે. મોબાઈલ ફોનના કોલર ટ્યુથી માંડીને ટેલિવિઝન, છાપામાં આવતી સરકારી જાહેરાતો, રસ્તાઓ પર ફરતી પોલીસ, મોબાઈલ વાનમાં અપાતા સંદેશો, ભીત સુત્રો, ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના અનેક પગલાં છતાં પણ બારડોલી ગણાતા આ પંથકના છેક પાવરપટ્ટી, બાવન ગામોનો વિસ્તાર અને કોટડા (જ.)થી લઈ છેક રવાપર સુધીનો ઉપલોવાસ પંથકના ગામડાઓ કોરોના નામના વાયરસે અનેક પરિવાર અને લોકોની જીવનની ગાડી પાટા પરથી ઉતારી દીધી છે.

ગામડાઓના અનેક યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ચુકયા છે. સરકારી આંકડા સાચા- ખોટા જે બતાવતા હોય તે પણ તાલુકામાં કોરોનાએ શતક જેટલા અંદાજીત યુવાધનને કોરોના ભરખી ગયો છે અને તમામ અઢારે વર્ણના સમુદાયમાંથી પોતાના વ્હાલસોયાને ખોઈ દિધા છે. એટલું જ નહીં અમુક કિસ્સામાં દર દાગીના, જમીન- જાયરાતો વેચીને આર્થિક મધ્યમ વર્ગ પોતાના સંતાનની સારવાર માટે કંઈ જ કચાસ નથી રાખી છતાં પણ સંતાન અને સંપતિ ખોવાનો વારો આવ્યો છે. તે નગ્ન અને સત્ય વાસ્તવિકતા છે. તાલુકા મથક કરતા ગામડાઓમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં છે.

તાલુકામાં સૌથી પ્રગત્તિશીલ અને વિકાસમાં શીરમોર ગણાતું મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈને પુછતા તેમણે કહ્યું કે, અમારા ગામમાં ૩થી ૪ કેસામાં કોરોના ભરખી ગયો છે. તાલુકાનો એવો કોઈ ગામ નહીં હોય કે, ત્યાં કોરોનાએ કોઈ પણ વ્યક્તિને મોતના મુખમાંથી કોરો રાખ્યો હોય તેમણે વધુમાં કહ્યું કે, ગામડાઓમાં કોરોના સંક્રમીતોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે.

અલબત ગ્રામ પંચાયતો મારૂ ગામ કોરોના મુક્ત ગામ આ અભિયાનમાં ગામ લોકો, આરોગ્ય વિભાગ અને કોવિડ રિસ્પોન્સ ટીમના સંયુક્ત પ્રયાસોથી સતત સાવચેતી અને જાગૃતતા ફેલાવી છે. છતાં પણ કેસો વધુ છે. દરેક ગ્રામ પંચાયત લાઉડ સ્પીકરથી બેનર, ભીતચિત્રો, ઈન્ટરનેટના માધ્યમથી લોકોને માહિતગાર સમય- સમયે કરે છે. લોકો માસ્ક પહેરે, વ્યક્તિગત અંતર રાખે અને વારંવાર હાથ ધોવે, દુકાનદારોને સમજાવી આંશિક લોકડાઉન રાખવમાં આવ્યું, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકવો છતાં પણ અમુક ગામડાઓમાં કોરોના કેસોનો સંકજાે મજબૂત છે.

તો બીજીતરફ આ તાલુકાના ગામડાઓમાં અભણ લોકો નથી રસી લેતા કે નથી ભુજ સુધી સારવાર કે ટેસ્ટ નથી કરાવતા. આવા બેદરકાર લોકો થકી ગામડાઓમાં કોરોનાના કેસોનો ગ્રાફ ઉચકાયો છે તે પણ એટલું જ સત્ય છે. રસી અંગે આ વિસ્તારના ગામડાના લોકો ઉદાસીન છે તેમાં ખોટી અફવાઓ, ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા લોકોમાં રસી અંગે ફલાયેલી છે. અલબત દરેક ધર્મના ધર્મગુરૂઓ સતત રસી લેવા માટે આગ્રહ કરતા હોય છે છતાં પણ લોકોના મનમાંથી ધર્મગુરૂ કે વહિવટીતંત્ર ડર ભગાવવા કે ખોટી માન્યતાઓ દૂશ્ર કરવામાં સફળ થયો નથી. જાે ગામડાઓમાં ત્રીજી લહેરથી બચવું હશે તો રસીકરણ સિવાય છુટકો જ નથી તેવું વજન સાથે વહિવટીતંત્ર કે પ્રજાના પ્રતિનિધિઓ આવા ગામડાઓમાં જાગૃતતા લાવે તે અતિ જરૂરી છે. તો અમુક જગ્યાએ રસીનો જથ્થો ન મળતો હોવાનો પણ સૂર ઉઠ્યો છે. લોકો ધક્કા પણ ખાય છે. ટૂંકમાં આ તાલુકામાં તમામ ગામોમાં કોરોનાના કેસ પર કાબૂ લાવવા આરોગ્ય વિભાગ અને સમગ્ર વહિવટીતંત્ર ગતિશીલ પગલાં લે તે પણ જરૂરી છે અને રસી ઝુંબેશ વેગવાન બને તે અતિ  જરૂરી છે.