ગૌવંશને રખડતા અટકાવવા ગ્રામ્ય યુવાનો કટિબધ્ધ બન્યા

ભુજઃ દેશી ગાયના દૂધ, ઘી, માખણ, છાસ, ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ તેમજ અન્ય મહત્વ વિશે લોકો સમજે તે માટે ૧૯મીથી નારાયણસરોવરથી નીકળેલી કચ્છ ગૌધન સર્વેક્ષણ, સંવર્ધન, ગૌવિજ્ઞાન પ્રસાર યાત્રાને અબડાસામાં વ્યાપક આવકાર મળ્યો હતો. અંદાજે ર૦થી વધારે ગામોમાં ફરીને લોકોને ગાયનું મહત્વ સમજાવાયું હતું. જેના ફળ સ્વરુપે આ તાલુકાના ગામના યુવાનો ગૌવંશ રખડતા અટકે તેના માટે કાયમી આયોજનમાં સહયોગ આપવા કટિબધ્ધ થયા હતા. તા. ૬ઠીથી આ યાત્રા માંડવી તાલુકામાં પ્રવેશી છે અને જે ર૦મી સપ્ટેમ્બર સુધી અલગ અલગ ગામોમાં ફરશે અને લોકોને દેશી ગાયના મહત્વ વિશે સમજ  અપાશે. ના.સરોવરથી આરંભ થયા બાદ યાત્રા વાયોર, નલિયા, રામપર, આશાપર, છાડુરા, ઉસ્તીયા, કુવાપધ્ધર, કુણાઠીયા, કનકપર, ડુમરા, સાયરા, સુથરી, આરીખાણા, લૈયારી, જંગડીયા, ઐડા, રવા, નારાયણનગર, બિટ્ટા, મોટી ધુફી, નરેડી, નાની બાલચોડ, સીયાસર, નુંધાતડ, હાજાપર, ધનાવાડા, સાંધવ, કોઠારા, જખૌ વગેરે સ્થળોએ ફરી હતી. જયાં તેને સારો આવકાર મળ્યો હતો. બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. તો યુવાનો પણ ગાયના દૂધ, ગૌમૂત્ર, ગોબર વગેરેથી તેની  ઉપયોગીતા વધારવા સમજ કેળવી હતી. અંદાજે ૪૦ લોકો પંચગવ્ય પ્રોડકટની તાલીમ મેળવવા તૈયાર થયા હતા. ખેડૂતો, માલધારીઓ પણ ગાયનું મહત્વ સમજી તેને આવકારવા તૈયારી દાખવી હતી. તો દેશી ગાયના દૂધના વેચાણની રુપરેખા ઘડવામાં આવી હતી. યાત્રા દરમિયાન જામનગર આયુર્વેદ યુનિ.ના ડો. હિતેશભાઇ જાની, શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઇ સોલંકી, જામનગરના ડો. કરિશ્માબેન નારવાણી, કુંભારડીના સજીવ ખેતી કરતા ખેડૂત હિતેશભાઇ વોરા, કથાકાર પુરોહિતભાઇ, નાની નાગલપરના મેઘજીભાઇ હિરાણી, ખંભરાના દિપકભાઇ  પટેલ વગેરેએ ગાય અને ખેતી અંગે પોતાના અનુભવો અને વિચારો રજુ કર્યા હતા. આ યાત્રામાં ગામેગામ જઇ ગાય બાબતે વૈજ્ઞાનિક મહત્વ સમજાવા લાલાભાઇ કથાના માધ્યમથી જાગૃતિ કેળવી રહયા છે. તેમની સાથે આદિપુરના પ્રેમલતાબેન સોરઠીયા પણ ગૌ જાગૃતિના કામમાં લાગેલાં છે. આ યાત્રાના આયોજનમાં વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઇનીંગ ઇન્સટીટયુટ(વીઆટીઆઇ)ના માવજીભાઇ બારૈયા તેમજ તેમનીસમગ્ર ટીમે ખડે પગે રહી હતી. તો શાંતિલાલ પટેલ, ભવાનભાઇ ઠકકર, મુકેશભાઇ ઠકકર, પરબતભાઇ પટેલ,  પોકારભાઇ વગેરે મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી. બુધવારે આ યાત્રા માંડવીમાં પ્રવેશી હતી. કોટાયા, સાંભરાઇ અને દેઢિયામાં કાર્યક્રમો યોજાયા હતા.