ગૌધનની સેવાનું દાયિત્વ નિભાવવા સૌ આગળ આવે : વાસણભાઈ આહીર

અંજારના મિંદીયાળા ગામે ગૌશાળાના લાભાર્થે ઘાસ વિતરણનો પ્રારંભ

 

અંજાર : ગૌસેવાના પુણ્યશાળી કાર્યમાં જોડાવાનું સદભાગ્ય મળે તો આનંદ થાય તેવા આનંદમાં સહભાગી થતાં મિંદીયાળા ગામે ગાયોને ઘાસ વિતરણના શુભારંભ પ્રસંગે શુભકામના પાઠવું છું, તેમ કાર્યક્રમનો દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
અંજાર તાલુકાના મિદીંયાળા ગામે ગઇકાલે શનિવારે ગૌશાળા લાભાર્થે સ્વ. વેલુભા દાદાના સ્મરણાર્થે ગાયા માતાને ઘાસ વિતરણના શુભારંભ પ્રસંગે કાર્યનો અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ગાયોને ઘાસનું નિરણ કરી પ્રારંભ કરાવ્યો હતો. રાજયમંત્રી શ્રી આહિરે મુશ્કેલીના સમયે ગૌશાળાના કાર્યમાં મદદરૂપ થવાની ભાવના સાથે મિદીંયાળામાં એક પરિવાર દ્વારા કરાતાં કાર્યને બિરદાવી ગ્રામજનોને ગૌધનની સેવાના કાર્યમાં જોડાઇ સેવાનો સંતોષ થાય તેવું દાયિત્વ નિભાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આવા રૂડા કાર્યો થતાં રહે તેવા આર્શીવચન પાઠવ્યા હતા. ગૌ સેવા સમિતિ દ્વારા દાતા પરિવારના સજુભા વેલુભા જાડેજા અને નરેન્દ્રસિંહ વેલુભા જાડેજાનું ગામ લોકો વતી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે અંજાર તા.પં. કારોબારી અધ્યક્ષા રસીકબા જાડેજા, સરપંચ રણમલ ભોજાભાઈ, ઉપસરપંચ વિરમભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સરપંચ ધનાભાઈ, રાયમલ રાજાભાઈ, મશરૂ ભગત, વિમલ મહારાજ, રૂપાભાઈ વગેરે તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન તા.પં.ના પૂર્વ સદસ્ય કરણાભાઈ રબારીએ કર્યું હતું.