ગોરેવલી-બન્ની ગામની સીમમાં વાડા બનાવવા સામે માજી સરપંચે વિરોધ નોંધાવ્યો

વાડા બનાવવાની કામગીરી અટકાવવા કલેકટરને કરી માંગ

ભુજ : ગોરેવલી – બન્ની મુકામે ગામની સીમમાં ગીર ફાઉન્ડેશન તથા જંગલ ખાતા દ્વારા આડેધડ બનાવાતા વાડા અને તેની ચરિયાણ જમીનમાં થતા દબાણ સામે ગામના માજી સરપંચ બાબાખાન મુતવાએ વાંધો વ્યક્ત કર્યો છે. તેમજ તાત્કાલિક આ કાર્યવાહી બંધ કરવા માંગ કરી છે. શ્રી મુતવાએ જણાવ્યું છે કે, આ ગામે અગાઉથી ૧ર જેટલા વાડા મોજુદ છે, જેમાં બે વાડા બન્નીના બીજા બે ગામોના નામે ગોરેવલી સીમમાં બનાવવામાં આવેલા છે. કુલ ૭પ૦ હેકટર જેટલી જમીનમાં વાડા આવેલા છે. છતાં ગીર ફાઉન્ડેશન તથા જંગલખાતાની વાડા બનાવવાની ભુખ ભાંગતી નથી અને ગોરેવલી – બન્નીની સીમમાં બચેલી થોડી ઘણી જમીનમાં પણ વાડા બનાવી ગામના પશુધનના ચરિયાણને નષ્ટ કરવા માંગે છે તે વાત બરાબર નથી. તે સામે ગામના માજી સરપંચ બાબાખાન મુતવાએ જોરદાર વાંધો લઈ આ વાડા બનાવવાની કામગીરી તુરંત બંધ કરવા કલેકટર, મહેસુલખાતુ, જંગલખાતુ વગેરેને અપીલ કરી છે. હાલના સરપંચ ઉપર આ બાબત ખોટુ દબાણ કરવામાં આવે છે, જે પણ વ્યાજબીછ નથી એમ ઉમેર્યું હતું.અગાઉ જે વાડા બનાવવાની કામગીરી થઈ છે તેમાં પણ ગંભીર ગેરરીતિઓ થઈ છે. તેમજ બિયારણ બાબતે પણ ભ્રષ્ટાચાર થયેલ છે. આ લોકોના જંગલખાતાના માણસો ત્યાં બેઠા જ છે, જે ઝઘડાનો કારણ બને તેમ છે અને સુલેહશાંતિનો ભંગ થાય તેમ છે. અમુક લેભાગુ તત્ત્વો પણ આમા ભાગ ભજવે છે. તો તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. અગાઉ સરાડા- બન્ની ગામની સીમમાં તકરાર થયેલ અને સ્વ. બાવજી જાડેજાનું ખૂન થયેલ તેવી ઘટના ફરીથી બને નહીં તે માટે તુરત વાડા બનાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવા બાબાખાન એચ. મુતવો માંગ કરી છે.