ગોરેગામની હૉટેલમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન્સ જપ્તઃ પાંચ જણ પકડાયા

(જી.એન.એસ)મુંબઇ,કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટેની મુખ્ય દવા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી લાવી આ ઈન્જેક્શન વધુ કિંમતે વેચનારા પાંચ જણને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. ગોરેગામ પશ્રિ્‌ચમમાં મોતીલાલ નગર સ્થિત એક હોટેલમાં રેમડેસિવિર ઈન્જેક્શન વેચાતાં હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૨ના અધિકારીને મળી હતી. માહિતીને આધારે મંગળવારે સર્ચ હાથ ધરાઈ હતી.હોટેલના કિચનમાંથી ૨૬ ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ મામલે પાંચ જણને તાબામાં લેવાયા હતા. આ ઈન્જેક્શન ગુજરાતમાંથી લાવવામાં આવ્યાં હતાં અને દર્દીને વીસથી પચીસ હજાર રૂપિયામાં વેચવામાં આવતાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.