ગોપાલપુરી સ્થિત કેપીટી હોસ્પિટલમાં કોવીડની ૧૦૦ બેડની સુવિધા કરાશે : રાજયમંત્રી

પૂર્વ કચ્છ અને પોર્ટના કર્મીઓને સ્થાનિક આરોગ્ય સગવડ ઉપલબ્ધ થશે

આજરોજ ગાંધીધામ ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે દિન દયાલ પોર્ટ ટ્રસ્ટની ગોપાલપુરી ખાતેની હોસ્પિટલ નિરીક્ષણ અને સમીક્ષા મુલાકાત લીધી હતી. પંડિત દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગોપાલપુરી સ્થિત હોસ્પિટલમાં પૂર્વ કચ્છના કોવીડ-૧૯ના દર્દીઓ તેમજ પોર્ટના કર્મીઓ માટે તાત્કાલિક ધોરણે કોવીડ સુવિધાવાળી ૧૦૦ બેડ તૈયાર કરવા સબંધિતોને આદેશ કર્યો હતો. આગામી ત્રણ દિવસમાં ૧૦૦ બેઠ વાળી કોવીડ સગવડની હોસ્પિટલ સુવિધાથી પૂર્વ કચ્છના સ્થાનિકો તેમજ પોર્ટના કર્મચારીઓને તત્કાળ અને ઘરઆંગણે આરોગ્ય સુવિધા મળશે એમ રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૦ બેડ પૈકી ૫૦ જમ્બો સીલીન્ડર ઓકિસજન બેડ અને ૫ વેન્ટીલેટર બેડની વ્યવસ્થા કરાશે. તેમજ રેમડેસીવીર ઈન્જેકશન મળી રહેશે. કોવીડ-૧૯ માટેની જરૂરી સાધન સુવિધા તેમજ મેડિકલ અને પેરામેડિકલ સગવડોની પણ આ તકે પૂર્વ તૈયારી કરવા મંત્રીશ્રીએ સબંધિતોને સૂચન કર્યુ હતું. શ્રી આહિરે આ તકે ઉપસ્થિતોને દર્દીઓને સરળતાથી આરોગ્ય સેવા મળે તે જોવા પણ જણાવ્યું હતું. આ તકે તેમણે પોર્ટ ટ્રસ્ટના ચેરમેનશ્રી એસ.કે.મહેતા, ચીફ મેડિકલ ઓફિસર ડો.ગાંધી, ડો.ચેલ્લાની, ડો.સૂર્યવંશી તેમજ તાલુકા અને ટ્રસ્ટના આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેસી તત્કાળ અને યોગ્ય વ્યવસ્થા માટે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, મંત્રીશ્રીના અંગત સચિવ વિજય પટેલ, અગ્રણીશ્રી વિજયસિંહ જાડેજા, પુનિત દુધરેજીયા, હરેશ મુલચંદાણી, સરિતાબેન બધર તેમજ પ્રાંત અધિકારીશ્રી જોશી, મામલતદારશ્રી સી.પી.હિરવાણીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુતરીયા, તેમજ ડીપીટી  અને કેપીટી હોસ્પિટલ તેમજ કાસેઝના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.