ગોંડલમાં માનસિક બિમાર યુવતીએ પાણીની ટાંકીમાં ઝંપલાવી આપઘાત કર્યો

(જી.એન.એસ.)ગોંડલ,શહેરના ઉમવાડા રોડ પર વાલ્મીકી વાસમાં રહેતી અપરિણીત યુવતીએ સાત ટાંકી તરીકે ઓળખાતી પાણીની ટાંકીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચેલી ફાયર ટીમે યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવતી માનસિક રોગથી પીડાતી હોવાથી આવું પગલું ભર્યાનું પોલીસે જણાવ્યું હતું.શહેરના ઉમવાડા રોડ પર રહેતી ભાવનાબેન પોપટભાઈ ગોરી (ઉં.વ.૪૦) ગઇકાલે બપોરના ઘરેથી નિકળી ગયા હતા. બાદમાં આજે સવારે ૧૦ વાગ્યે વોટરવર્કસનાં સમ્પ હાઉસની સાત ટાંકીમાં તેનો મૃતદેહ તરતો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાઇ હતી. મૃતક ભાવનાબેન અપરિણીત હતા અને વર્ષોથી માનસિક રોગથી પીડાતા હતા. તાજેતરમાં તેનાં હૃદયના વાલ્વનું ઓપરેશન કરાયું હતું. તેનાં પિતા નિવૃત્ત જીવન ગાળે છે. જ્યારે માતાનું સાત વર્ષ પહેલાં મૃત્યુ થઇ ચૂક્યું છે. મૃતક બે ભાઇઓ અને પિતાના પરિવાર સાથે રહેતી હતી.
ભાવનાબેન ગઇકાલે બપોરથી ઘરેથી નિકળી ગયા હોવાથી તેમનાં ભાઇએ શોધખોળ બાદ પોલીસમાં જાણ કરી હતી. સવારે તેનો ભાઇ પોલીસ મથકે જ હતો અને ફાયરબ્રિગેડ દ્વારા સાત ટાંકીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યાંની જાણ કરાતાં યુવતીની ઓળખ તુરંત થઇ હતી. બનાવ અંગે સિટી પોલીસનાં રાજભા ઝાલાએ તપાસ હાથ ધરી છે.