ગોંડલમાં મહિલાએ પોલીસને હાથમાં ચિઠ્ઠી આપી પોલીસ સ્ટેશન બહાર અગ્નિસ્નાન કર્યું

(જી.એન.એસ)ગોંડલ,ગોંડલ તાલુકામાં પોલીસ સ્ટેશનની બહાર એક મહિલાએ અગ્નિસ્નાન કર્યું હતું. મહિલાએ અગ્નિસ્નાન કરતાં પહેલાં પોલીસકર્મીના હાથમાં ચિઠ્ઠી આપી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનની બહાર જ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી હતી. ત્યારબાદ પોલીસકર્મીઓએ મહિલાના શરીર પર લાગેલી આગને ઓલાવીને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને આ ઘટનાના બે દિવસ બાદ મહિલાનું મોત થયું છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે, પાડોશી સાથે થયેલા ઝઘડાની અદાવતને લઈને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પાડોશીના ત્રાસના કારણે અગ્નિ સ્નાન કર્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે ૧૧ લોકોની સામે ગુનો દાખલ કર્યો છે.
રિપોર્ટ અનુસાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે બંધીયા ગામમાં રહેતા કંચન ગોહિલ નામની મહિલા કોઈ વાતની ફરિયાદ કરવા માટે આવી હતી. કંચન ગોહિલે શુક્રવારે પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીને તેના હાથમાં એક ચિઠ્ઠી આપીને પોલીસ સ્ટેશનની બહાર પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિ સ્નાન કર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા પોલીસકર્મીઓના થતા તેઓ તાત્કાલિક કંચન ગોહિલની મદદ કરવા માટે પહોંચી ગયા હતા અને કંચન ગોહિલના શરીર પર લાગેલી આગને ઓલવી હતી અને ત્યારબાદ તેમને પહેલાં ગોંડલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કંચન ગોહિલને વધારે સારવારની જરૂર પડતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કે, સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં કંચન ગોહિલે બે દિવસની સારવાર લીધી હતી અને બે દિવસ બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કંચન ગોહિલ અને તેમના પતિ જયંતી ગોહેલ સામે તેમના પાડોશી વર્ષ ૨૦૧૪માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે કંચન ગોહિલને ૩ મહિના જેલમાં જવાનો વારો આવ્યો હતો. જ્યારે કંચન ગોહિલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓને પાડોશીઓ બાબતે મ્હેણા ટોણાં મારતા હતા અને પાડોશીઓના માનસિક ત્રાસથી કંટાળીને કંચન ગોહિલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈને અગ્નિસ્નાન કર્યું હતું કે પોલીસે સમગ્ર મામલે ૧૧ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ત્યારબાદ પોલીસે તાત્કાલીક અસરથી ૭ લોકોની ધરપકડ કરી હતી અને અન્ય ૪ ફરાર થયેલા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે.