ગેરકાયદે કૉલ ડિટેલ્સ રેકોર્ડ કઢાવવાના કૌભાંડમા કાંદિવલીના કચ્છી ડિટેક્ટિવની ધરપકડ

 ડિટેક્ટિવ જિજ્ઞેશ જયંતીલાલ છેડા ૧૭ એપ્રિલ સુધી પોલીસ હિરાસતમાં : પુછતાછ જારી : પોલીસે ફિલ્મ અભિનેતા જૅકી શ્રોફની પત્નીનું નિવેદન નોંધ્યું

થાણેઃ ગેરકાયદે કૉલ ડિટેલ્સ રેકોર્ડ (સીડીઆર) કઢાવવાના કૌભાંડની તપાસ કરી રહેલી થાણે ક્રાઈમ બ્રાન્ચે કાંદિવલીના કચ્છી ડિટેક્ટિવની ધરપકડ કરતાં આ કેસમાં
ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૧૩ પર પહોંચી હતી. પોલીસે ફિલ્મઅભિનેતા જૅકી શ્રોફની પત્ની આયેશાનું નિવેદન પણ નોંધ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ જિજ્ઞેશ જયંતીલાલ છેડા તરીકે આપી હતી. કાંદિવલીમાં રહેતા છેડાને કોર્ટે ૧૭ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોઈ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપી માકેશ પાંડિયન પાસેથી મરાઠા ડિટેક્ટિવના છેડાએ બે મોબાઈલ ફોનના સીડીઆર મેળવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. જોકે તેણે અન્ય કેટલાક મોબાઈલધારકોના ફોનના સીડીઆર કઢાવ્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. કલવામાં આવેલી ખાનગી ડિટેક્ટિવ એજન્સીના એજન્ટ પાંડિયન સહિત પોલીસે આ કેસમાં અગાઉ મુંબઈની જાણીતી મહિલા ડિટેક્ટિવ રજની પંડિત, યવતમાળના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઑફિસના કોન્સ્ટેબલ નીતિન ખવડે, એડ્‌વોકેટ રિઝવાન સિદ્દીકી, જિગર મકવાણા સહિત ૧૨ જણની ધરપકડ કરી હતી. એ સિવાય સીડીઆરના કેસમાં આસામ પોલીસના દાસ નામના કોન્સ્ટેબલની પણ ધરપકડ કરાઈ હતી. ધરપકડ કરાયેલાઓમાંથી છ આરોપી હાલમાં જામીન પર છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ કેસમાં પોલીસે ૨૮૪ જેટલા સીડીઆરની ચકાસણી કરી હતી, જેમાં અનેક નામો સામે આવી રહ્યાં હોવાનું કહેવાય છે. અભિનેતા સાહિલ ખાનના મોબાઈલના સીડીઆર કઢાવવાના કેસમાં જૅકી શ્રોફની પત્ની આયેશાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આયેશાએ સાહિલ ખાનના સીડીઆર વકીલ સિદ્દીકીને મોકલ્યા હતા. જોકે આયેશાને કોણે સીડીઆર આપ્યા અથવા તેણે કેવી રીતે મેળવ્યા તેની ચોખવટ પોલીસે કરી નહોતી. ગુરુવારે આયેશા ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે પહોંચી હતી. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હોઈ તેમાં તેણે મહત્ત્વની માહિતી પૂરી પાડી હોવાનો દાવો પોલીસ દ્વારા કરાયો હતો.