ગેટકોના વીજ થાંભલામાંથી ૧.ર૦ લાખની ચોરી કરનારા ત્રણ શખ્સો દબોચાયા

તુણા-જોગણીનાર રોડ પર ગઈકાલે રાત્રે બની હતી ઘટના

કંડલા મરીન પોલીસમાં એન્જિનિયરે નોંધાવી ફરિયાદ

ગાંધીધામ : તાલુકામાં તુણા-જોગણીનાર રોડ પર ગઈકાલે રાત્રિના વીજ થાંભલામાંથી ચોરી કરવા માટે ત્રણ ઈસમો આવ્યા હતા અને વીજ થાંભલામાંથી ૧.ર૦ લાખની મત્તા ઉસેડી હતી. જોકે, આ આરોપીઓ તરત જ દબોચાઈ ગયા હતા.કંડલા મરીન પોલીસમાં ગેટકોના એન્જિનિયર શનિ અરવિંદભાઈ ત્રાબડિયાએ કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતા વસીમખાન જમીરખાન શેખ, કાર્ગો ઝુપડામાં રહેતા પ્રભાત મોતીલાલ શાહ અને મીઠાપોર્ટમાં રહેતા અલીહાસમ જુસબ બુચડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદીની કંપનીની ગેટકો મુન્દ્રા કંપનીમાંથી રામપર-તુણા સીમમાં લાગેલ ૬૬ કેવી ભદ્રેશ્વર-રામપર લાઈનના વીજ થાંભલા પૈકીના રામપર સીમમાં આવેલ ત્રણ ટાવરમાં ચોરી કરી હતી. જેમાં આસરે દોઢ ટન જેટલા નાના-મોટા ગેલવેનાઈઝના એગલો, નટબોલ્ટ ખોલીને ચોરી કરી હતી. આ આરોપીઓ ૧.ર૦ લાખના મુદ્દામાલ તેમજ બે બાઈક કિંમત રૂા.૪૦ હજાર સાથે ઝડપાઈ ગયા હતા. કંડલા મરીન પોલીસે આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની તપાસ હાથ ધરી છે.