ગુરુવારે મળશે જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક પેટ્રોલ-ડીઝલ ભાવવધારાનો ‘ભડકો’ શાંત થાય તેવી સંભાવના

રિયલ એસ્ટેટ પણ જીએસટીના દાયરામાં આવે તેવી શકયતાઃ ટેકસ સ્લેબમાં પણ ઘટાડાની જાહેરાત થઇ શકે છેઃ સામાન્‌ય બજેટ રજૂ થતાં પહેલાં મળનારી કાઉન્સીલની બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો

 

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્રારા સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલાં ૧૮ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સીલની એક મહતવપૂર્ણ બેઠક મળશે. બજેટના થોડા દિવસ પહેલાં મળી રહેલી આ બેઠકમાં અનેક મહતવના નિર્ણયો લેવાઈ શકે છે. નવા વર્ષે મળી રહેલી આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની અનેક મહતવની માગણીઓ પણ નિર્ણય લેવાઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતને જોતાં જીએસટી કાઉન્સીલ આ બન્નેને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી શકે છે. જો આમ થાય તો પેટ્રોલ અને ડીઝલ ઘણું સસ્તું બની જશે. નાણામંત્રી અરૂણ જેટલી સહિત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરી ચૂકયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એક વખત રેકોર્ડસ્તરે પહોંચી ચૂકી છે. દિલ્હીમાં ડીઝલ ૬૦ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. પેટ્રોલ પણ ફરી એક વખત ૮૦ના સ્તરે પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. બજેટ રજૂ થતાં પહેલાં મળી રહેલી આ બેઠકમાં જોવાનું રહેશે કે કાઉન્સીલ કોટી મોટી ભેટ આપે છે કે પછી મોટી જાહેરાતો માટે બજેટની જ રાહ જોવી પડશે. આ બેઠકમાં રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. ખુદ નાણામંત્રી એ વાતનો સંકેત આપી ચૂકયા છે કે રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ લાવવામાં આવશે. બેઠકમાં એક મહતવની જાહેરાત જીએસટી ટેકસ સ્લેબને ઘટાડવાની પણ થઈ શકે છે. નાણામંત્રી અરૂણ જેટલી સહિત અન્ય કેન્દ્રીય નેતાઓ કહી ચૂકયા છે કે જીએસટીમાં હાલના ટેકસ સ્લેબને ઓછો કરવામાં આવી શકે છે. આવામાં જીએસટી કાઉન્સીલ આ બેઠકમાં જીએસટી ટેકસ સ્લેબને ઘટાડવાને લઈને પણ કોઈ જાહેરાત કરી શકે છે.