ગુનેગારો બેફામ, હવે કેશ ડિપોઝિટ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ

(જી.એન.એસ)અમદાવાદ,શહેરમાં મીની લૉકડાઉન ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં ગુનેગારો બેફામ બન્યા છે. ગુનેગારો અનેક ગુના ને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થયા છે. શહેરના નવરંગપુરા રોડ પર આવેલી એસબીઆઈના કેસ ડિપોઝિટ મશીનમાં ત્રણ ગઠિયાએ પ્રવેશ કરી લોખંડનાં સાધન વડે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મશીન ન તૂટતાં અંતે તસ્કરોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. કેશ ડિપોઝિટ મશીનમાં ચોરી કરતી વખતે ત્રણ ગઠિયાનાં કરતૂત સીસીટીવીમાં કેદ થઇ ગયાં છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ગઠિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યા છે.બોપલમાં ઇસ્કોન પ્લેટિનિયમમાં રહેતા પંકજ ઝાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. પંકજભાઈ નવરંગપુરા રોડ પર આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં હાલ બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાતમી મેના દિવસે રાબેતા મુજબ બેન્કમાં હાજર હતા.બપોરના બે વાગે બેંક બંધ કરીને ઘરે ગયા હતા. આઠ અને નવમી મેના રોજ બે દિવસ રજા હોવાથી બેન્ક ખોલી ન હતી. ગઈકાલે સિક્યોરિટીએ મેનેજરને જાણ કરી હતી કે એસબીઆઈની બાજુમાં કેશ ડિપોઝિટ મશીન કોઈએ તોડવાનો પ્રયાસ કર્યો છે.જે બાદમાં મેનેજર તાત્કાલિક એસબીઆઈની બ્રાન્ચમાં આવી ગયા અને અન્ય કર્મચારીઓને જાણ કરી બોલાવી લીધા હતા. મેનેજરે એસબીઆઈના સીડીએમના સીટીટીવી ફૂટેજની તપાસ કરી તો ત્રણ ગઠિયા લોખંડનાં સાધન વડે મશીન તોડવાનો પ્રયાસ કરતા હતા. જોકે, મશીન ન તૂટતાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.