ગુજસીટોકનો કુખ્યાત ફરાર આરોપી તેના 3 સાગરિતો સાથે જબ્બે

પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ પોલીસે આરોપીઓની ઉત્તરાખંડના નૈનીતાલથી કરી ધરપકડ : જી.કે. હોસ્પિટલમાંથી આરોપીને ભગાડવામાં 4 પોલીસ અધિકારી-કર્મચારીઓની સંડોવણી ખુલી

ભુજ : અહીંની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. જેમા પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ પોલીસે આરોપી નિખિલ દોંગા અને તેના 3 સાગરિતોને દબોચી લીધા હતા. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયેલો કુખ્યાત આરોપી ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હતો. તેની સાથે અન્ય ત્રણ સાગરિતોને પોલીસે દબોચીને કચ્છ લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સના આધારે આરોપીની વિગતો મોળવીને તેને અને તેના સાગરિતોને ઝડપી પાડ્યા હતા. કેસના તપાસનીશ ડી.વાય.એસ.પી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, આરોપી ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હતો. જેની બાતમી પોલીસને મળતા પશ્ચિમ કચ્છ અને રાજકોટ રૂરલ વિભાગની પોલીસ ટીમોએ નૈનીતાલ ધસી જઈને આરોપીને દબોચી લીધા છે. કુખ્યાત આરોપી નિખીલ દોંગા ઉપરાંત તેની સાગરિતો વેનિસ ઉર્ફે લાલજી ડાહ્યાભાઈ માલવીયા તેમજ સાગર અને શ્યામલ નામના અન્ય ત્રણ શખ્સો મળીને 4 આરોપીઓને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓને પોલીસની ટીમો દ્વારા કચ્છ લાવવામાં આવી રહ્યા છે. જીકે હોસ્પિટલમાંથી નિખીલ દોંગા નાસી જવાના કિસામાં ફરજમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી હતી. જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા છે.