ગુજરાત રાજય કર્મચારી મહામંડળ કચ્છ યુનિટના પ્રમુખે રસી લઇને જાહેર જનતાને પણ રસી લેવા અપીલ કરી

રસીકરણને વેગ આપવા સરકારની સાથે અનેક સંગઠનો અને સરકારી કચેરીઓ પણ રસીકરણ ઝુંબેશમાં સહભાગી બની રહયા છે. જે અન્વયે ભુજમાં બહુમાળીભવનમાં આરોગ્ય તંત્રના ઉપક્રમે રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજય કર્મચારી મહામંડળ કચ્છ યુનિટ તેમજ બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ સહકારી મંડળના પ્રમુખશ્રી અનિરુધ્ધસિંહ ગોહિલે પણ રસીનો ડોઝ લીધો હતો અને કર્મચારીઓને તેમજ જાહેર જનતાને રસી લેવા માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે રસીનો લાભ નિઃશુલ્ક મળે છે. અત્યારની પરિસ્થિતિમાં શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે રસી અત્યંત અનિવાર્ય બની છે. લોકોએ ખોટી અફવાઓથી ડરવાની કે ભરમાવાની જરૂર નથી કારણ કે રસીની આડઅસર થતી જ નથી કાયદો જ થાય છે. ઉપરાંત  અપવાદરૂપ સંજોગોમાં રસી લીધા પછી કોરોનાનું સંક્રમણ લાગે તો આ રસી ઢાલનું કામ કરે છે અને રિકવરી પણ ખુબજ ઝડપી થઇ જાય છે. વધુમાં તેમણે આવા રસીકરણ કેમ્પનો વધુને વધુ લાભ લેવા જાહેર જનતાને હાથ જોડીને નમ્ર અપીલ કરી હતી.