ગુજરાત ભાજપના સેક્રેટરીની પત્રકારોને ‘ધમકી’, કહ્યું- ‘તમારી મૂર્ખાઈ ન બતાવો’

ગાંધીનગર : મુખ્યમંયત્રી વિજય રૂપાણી ટૂંક સમયમાં જ રાજીનામું આપવાના છે અને તેમના બદલે કોઈ યુવા ચહેરાને તક આપવામાં આવશે તેવા અહેવાલો આવ્યા હતા. જેને પગલે સોશિયલ મીડિયા પર પત્રકારોને ધમકી આપતા મેસેજ વાયરલ થયા હતા, જે કથિત રીતે ભાજપના સભ્યો દ્વારા વાયરલ કરાયા હતા. મેસેજમાં પત્રકારોને ખોટી અફવા ન ફેલાવવાનું અને મૂર્ખાઈ ન કરવાનું કહેવાયું.
વિશ્વસનીય સૂત્રોની માહિતી પ્રમાણે, આ મેસેજ ભાજપના વિવિધ સભ્યોએ વાયરલ કર્યા હતા. જેમાં ગુજરાત ભાજપના સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. પ્રદીપસિંહ વાઘેલાની દોરવણીમાં આ મેસેજ વાયરલ કરાયા હતા. વાયરલ થયેલા એક મેસેજમાં લખ્યું હતું કે, “જ્યારે નરેંદ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે કેટલાક રાજ્ય વિરોધી તત્વોએ ભાજપ અને રાજ્યની બદનામી કરતી અફવાઓ ફેલાવી હતી. જ્યારે હવે વિજય રૂપાણી શાંતિથી, પ્રામાણિકપણે, માનવીય રીતે ગુજરાતને વિકાસ પથ પર લઈ જઈ રહ્યા છે ત્યારે આવા જ રાજ્ય વિરોધી તત્વો તેમના રાજીનામાની અફવા ફેલાવી રહ્યા છે.”જ્યારે મેસેજ વાયરલ કરવામાં તેમનો હાથ છે કે નહીં તે પ્રદીપસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “હા, ભાજપના અન્ય સભ્યોની જેમ હું પણ સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ કરી રહ્યો છું. છેલ્લા ૨-૩ વર્ષોથી અમારો પક્ષ આ પ્રકારની અફવાઓનો સામનો કરી રહ્યો છે. વિજય રૂપાણીના રાજીનામાના સમાચાર ખોટા છે અને અમે કોઈ પણ પત્રકારને આ પ્રકારના સમાચાર નહીં છાપવા દઈએ. આવા સમાચારોથી અમારા પક્ષના કાર્યકરોની લાગણી દુભાય છે. અમને પણ અમારી લાગણીઓ દર્શાવવાનો અધિકાર છે અને આ મેસેજ વાયરલ કરીને અમે તેનો ઉપયોગ કરીએ છીએ.”
જ્યારે વાઘેલાને પૂછવામાં આવ્યું કે શું આ મેસેજ પત્રકારોને ધમકાવવા માટે છે તો તેમણે કહ્યું કે, “તમે તેને શું અર્થઘટન કરો છો તેના પર આધાર રાખે છે.” જો કે બાદમાં તેમણે સ્પષ્ટતાં કરતાં કહ્યું કે, “મીડિયા વિરુદ્ધ જવાની કોઈ બાબત નથી. બધા મીડિયાકર્મીઓ મારા ભાઈ-બહેન જેવા છે. મને તમારા માટે આદરભાવ છે. તમારા માટે કોઈ નફરત નથી.”