ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના જિલ્લા-તાલુકા કક્ષાના સેમિનારમાં પ્રજાના પૈસાનો બગાડ

જિ.પં. મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન દ્વારા કરાયો આક્ષેપ

નખત્રાણા : જિલ્લા પંચાયતના સદસ્યએ જ સરકાર સામે બાંયો ચડાવી છે. આંગણવાડીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય લેવલ સુધી રજૂઆતો કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ રજૂઆતોનો દોર થમ્યો નથી ત્યાં નખત્રાણા ખાતે ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં પૈસાનો બગાડ થયો હોવાનો આક્ષેપ જિ.પં. સદસ્ય અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભાવનાબેન પરેશસિંહ જાડેજાએ ઉચ્ચ સ્તરે કર્યો હતો.
નખત્રાણા ખાતે ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાનો સેમિનાર યોજાયો હતો. જેમાં માત્ર સરકારના પૈસાનો બગાડ જ કરવામાં આવ્યો હતો. આયોજનનું કોઈ ઠેકાણું જ ન હતું. ગણ્યા-ગાંઠ્યા લોકોની હાજરીમાં આ માત્ર ધજાગરો જ હતો અને રંગલો ને રંગલીના નાટક સિવાય કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જવાબદાર અધિકારી શ્રી ત્રિવેદી, નાયબ સચિવ માત્ર શાલ ઓઢાળી નવ દો ગ્યારાહ થઈ ગયા હતા. તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા કે માતાનામઢ, કોટેશ્વર, રણની સફરે તરત જ ચાલ્યા ગયા.
આ કાર્યક્રમમાં સંકલનનો અભાવ હતો. બેનર પણ ગાંધીધામના બોર્ડ સાથે લઈ આવ્યા હતા. ચા-પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પ્રજાના પૈસે માત્ર ધુમાડો કરવાનો હતો કે શું. આ બાબતે સેક્શન ઓફિસર શ્રી લીંબાચિયા સાથે જાડેજા ભાવનાબા પરેશસિંહે વાત કરતા તેમને કહ્યું હતું કે, આ કાર્યક્રમની જવાબદારી એજન્સીની છે, પરંતુ એજન્સી દ્વારા કોઈ સગવડ જ નહોતી. આ બાબતે કચ્છ કલેક્ટર તથા બાળ સુરક્ષા આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાને પણ ટેલીફોનિક અને લેખિત જાણ કરેલ છે. જવાબદારો સામે તાકીદે પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠી છે અને વર્કશોપના નામે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા આવનાર અધિકારીઓ સામે પણ સરકાર કડક બને તો જ આવા વર્કશોપનો હેતુ સાર્થક ગણાશે.