ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનો રિપોર્ટ પોઝિટિવ

(જી.એન.એસ.) અમદાવાદ, હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં ગુજરાતમાં સતત કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકો પણ આવી રહ્યાં છે. આ સાથે જ રાજકીય નેતાઓ પણ બાકાત નથી રહ્યાં. ત્યારે વધુ એક રાજકીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજીવ સાતવ કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. તેઓને સંક્રમિત થયા બાદ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.ઉલ્લેખનીય છે કે, આ સિવાય કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં તેઓ ડૉક્ટર્સની સલાહ મુજબ હોમ આઈસોલેશનમાં રહેશે.અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ હવે નરસંહાર અને ઘેરી અરાજકતાની પરિસ્થિતિ સર્જી છે. ગત ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના નવાં ૧૨,૫૫૩ કેસ અને ૧૨૫ મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૪૯૦૬ અને સુરતમાં ૨૩૪૦ કેસ નોંધાયા છે. સુરતમાં આજે સૌથી વધુ ૨૯ મોત અને અમદાવાદમાં ૨૩ મોત નોંધાયા છે. નવાં ૧૨, ૫૫૩ કેસો સામે આજે ૪૮૦૨ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરી શકાયા છે. આજથી બે મહિના પહેલાં નવાં કેસો કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહેતી હતી અને અત્યારે નવાં કેસો કરતા ડિસ્ચાર્જ ત્રીજા ભાગના છે.